Abtak Media Google News

ભારતીય શેરબજારમાં આજે તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુઘ્ધની કોઇ અસર હાલ શેરબજાર પર દેખાતી નથી.

આજે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસ 66500 ની સપાટી ઓળંગી હતી. 66571.98 પોઇન્ટની ઉપલી સપાટી ઇન્ટ્રા-ડેમાં હાંસલ કર્યા બાદ નીચો પટકાય 66299.79 સુધી આવી ગયો હતો. નિફટીએ પણ ઇન્ટ્રા-ડેમાં  19800 ની સપાટી ઓળંગી હતી અને 19832 ની સપાટી હાંસલ કરી હતી. નીચલી સપાટીએ 19756.95 ના નિચલા લેવલ સુધી પહોંચી ગઇ હતી. બેન્ક નિફટી અને નીફટી મીડકેપ ઇન્ડેકસમાં પણ તેજીનો તોખાર જોવા મળ્યો હતો. આજની તેજીમાં ટાટા કેમિકલ, પીએનબી, એમસીએકસ ઇન્ડિયા, આઇકાએફસી ફર્સ્ટ બેન્ક, વોડાફોન આઇડિયા, બીએસઇ લીમીટેડ, સનટેક રિયલ્ટી, એનબીસીસી સહિતની કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો રહ્યો હતો. જયારે બેંન્ક ઓફ બરોડા, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, ભારત ઇલેકટ્રીક સહિતની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેકસમાં 4ર0 થી વધુ અની નિફટીમાં 1રપ પોઇન્ટથી વધુનો ઉછાળો

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 417 પોઇન્ટના ઉછાળા સાથે 66496 અને નિફટી 117 પોઇન્ટના ઉછળા સાથે 19800 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બુલીયન બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબુત બન્યો છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્વની ભારતીય શેરબજાર પર વ્યાપક અસર પડશે. તેવું માનવામાં આવતું હતું. જો કે, યુદ્વના ભયને શેરબજારે હવામાં ઉડાડી દીધો હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે પણ શેરબજારમાં તોતીંગ તેજી જોવા મળી હતી. આજે સતત બીજા દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઉછાળા સાથે કામ કરતા નજરે પડ્યા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ બેરલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. જેનાથી શેરબજારમાં તેજીને થોડુંક વધુ બળ મળી રહ્યું છે. યુદ્વના માહોલ વચ્ચે પણ શેરબજારમાં તેજીથી એક વાત સાબિત થાય છે કે ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત બની આગળ વધી રહ્યું છે. વૈશ્ર્વિક પ્રતિકૂળતાનો અભાવ હોવા છતાં ભારતીય શેરબજારમાં તેજીનો કરન્ટ જોવા મળી રહ્યો છે. વિશ્ર્વભરના રોકાણકારો દ્વારા અડીખમ વિશ્ર્વાસ સાથે ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે બજારમાં તેજીનો ટોન જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.