Abtak Media Google News

સિંચાઇ માટે ન અપાય તો રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં સંગ્રહિત : આજી ડેમમાં એક સપ્તાહમાં ૧૩૮ એમસીએફટી નર્મદાના નીર ઠાલવાયાં

 

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રમાં બુધવારે વરસેલા સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ગોંડલ પંથકમાં પડેલા અનારધાર વરસાદમાં રાજકોટની જળ જરૂ રીયાત સંતોષતા ભાદર ડેમમાં એક જ દિવસમાં રાજકોટને અઢી માસ ચાલે તેટલુ પાણી મેઘરાજાએ ઠાલવી દીધું છે. તો બીજી તરફ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાઇ રહ્યાં હોય આજીડેમની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ ભાદર ડેમમાં નવું ૧.૬૦ ફૂટ પાણી આવ્યું છે. ૩૪ ફૂટે ઓવર ફ્લો થતા ભાદરની સપાટી ૨૨.૩૦ ફૂટે પહોંચી જવા પામી છે. નવું ૩૭૫ એમસીએફટી પાણી આવ્યું છે. જે રાજકોટને અઢી માસ સુધી ચાલે તેમ છે. ડેમમાં ૨૪૬૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. સિંચાઇ માટે છોડવામાં ન આવે તો રાજકોટને આવતા વર્ષે ચોમાસાની સિઝન સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત થઇ ગયું છે. આ ઉપરાંત ન્યારી-૧ ડેમમાં ૫ સે.મી. નવા પાણીની આવક થવા પામી છે. ૨૫ ફૂટે ઓવર ફ્લો થતાં ન્યારીની સપાટી ૧૭ ફૂટને પાર થવા પામી છે. ડેમમાં હાલ ૫૨૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. રોજ સાડા ચાર એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. નવેમ્બર માસના અંત સુધી ચાલે તેટલો જળ જથ્થો ડેમમાં સંગ્રહિત છે. આજીડેમમાં વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી નથી. પરંતુ છેલ્લા એક સપ્તાહથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાઇ રહ્યાં હોવાના કારણે ડેમની સપાટી સતત વધારો થઇ રહ્યો છે. ૨૯ ફૂટે ઓવર ફ્લો થતાં આજીની સપાટી હાલ ૧૬.૭૩ ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં ૨૮૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે. સૌની યોજના અંતર્ગત ડેમમાં ૧૩૮ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. દૈનિક વિતરણ વ્યવસ્થા માટે રોજ ૫ એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આજીમાં નવેમ્બર માસ સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.