Abtak Media Google News

અબતક, રાજકોટ

ગુજરાતના રાજકારણમાં આજે દેશભરને હલબલાવી દેતો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતાં દેશભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની જવા પામી છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજયભાઇએ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળશે તેવા સંકેતો આપ્યા હતાં. સરદારધામના ખાતમૂહૂર્ત બાદ એવી તે શી ઘટના બની કે મુખ્યમંત્રી પદેથી કલાકોમાં જ વિજયભાઇ રૂપાણીએ રાજીનામું આપી દેવું પડ્યું હવે ગુજરાતના નવાં મુખ્યમંત્રી કોણ બનશે ? તેને લઇને પણ ચર્ચાઓનો દોર શરૂ  જવા પામ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે સવા વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ નેતૃત્વ પરિવર્તન કરે તેવી દૂર-દૂર સુધી કોઇ શક્યતાઓ દેખાતી ન હતી. દરમ્યાન આજે સવારે અમદાવાદમાં સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રિય કેબીનેટ મંત્રી મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારંભમાં એવી કોઇ ઘટના બની હતી કે જેના કારણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાત્કાલીક રાજ્યપાલ દેવવ્રત આચાર્યને બપોરે મળવા માટેનો સમય માંગ્યો હતો.

બપોરે ૩ કલાકે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મંત્રીમંડળના તમામ સભ્યો અને ગુજરાત ભાજપના રાષ્ટ્રીય પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ રાજ્યપાલને મળવા પહોચ્યા હતાં. જ્યાં વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતો પત્ર સુપ્રત કર્યો હતો. ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે પાર્ટી હવે જે જવાબદારી સોંપશે તે નિભાવવા હું તૈયાર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૭મી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી પદે વિજયભાઇ રૂપાણીએ ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ૭ ઓગષ્ટ-૨૦૧૬ના રોજ હાઇકમાન્ડ દ્વારા તેઓની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેઓના નેતૃત્વમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તારૂ ઢ થયું હતું. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના કોઇ સંકેતો દૂર-દૂર સુધી દેખાતા ન હતા. દરમ્યાન આજે અચાનક સરદારધામના ખાતમૂહુર્ત કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ વિજયભાઇ રૂ પાણીએ બપોરે મંત્રીમંડળના સિનીયર સભ્યો અને બે કેન્દ્રિય કેબીનેટની સાથે જઇ રાજ્યપાલને રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે વાત પરથી ૨૪ કલાકમાં પડદો ઉંચકાઇ જશે. હાલ મુખ્યમંત્રી પદ માટે ગોરધનભાઇ ઝડફીયા અને મનસુખ માંડવીયાના નામ સૌથી હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યાં છે.

હવે જે જવાબદારી મળશે તે હોંશભેર નિભાવીશ: વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીએ જણાવ્યું કે ભાજપે મને કાર્યકર્તામાંથી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. તે જવાબદારીનું નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વહન કર્યું છે. ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અનેક નવા આયામો સર કર્યા છે. મને મુખ્યમંત્રી તરીકે ૫ વર્ષ યોગદાન આપવાનો અવસર મળ્યો છે. તેના માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું. પણ હવે ગુજરાત વિકાસની આ યાત્રા નવા નેતૃત્વમાં ચાલશે. મેં રાજ્યપાલને ત્યાગપત્ર સોંપી દીધું છે. હવે જે જવાબદારી મળશે તે હોંશભેર નિભાવિશ તેમ અંતમાં વિજયભાઈ રૂ પાણીએ જણાવ્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ ૧૮૬૨ દિવસ કર્યું શાસન

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાં બાદ ૭ ઓગસ્ટ ૨૦૧૬થી વિજય રૂ પાણી મુખ્યમંત્રીપદે આવ્યા હતા. એ પછી ૨૦૧૭માં વિજય રૂ પાણીના જ નેતૃત્વમાં ભાજપનો વિજય થયો હતો અને ફરી એકવાર ૨૬ ડિસેમ્બરના રોજ વિજય રૂ પાણી મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીએ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ૧૮૬૨ દિવસ શાસન કર્યું છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ? ૨૪ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વીજયભાઈ રૂ પાણીએ રાજીનામુ આપી દીધું છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના ઉપર સૌની મીટ મંડરાયેલી છે પણ મળતી વિગત મુજબ નવા મુખ્યમંત્રીના સસ્પેન્સ ઉપરથી પડદો ૨૪ કલાકમાં જ ઊંચકી જવાનો છે. નવા મુખ્યમંત્રીના મતે ગોરધન ઝડફિયા અને મનસુખ માંડવીયા બે નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.