Abtak Media Google News

સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર 1.60 ફૂટ જ બાકી

રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી અને લાલપરી ઓવરફલો થયા બાદ હવે ભાદરવે ભાદર ભડ ભાદર બને તેવા સુખદ સંજોગો દેખાય રહ્યાં છે. 34 ફૂટની સંગ્રહ શક્તિ ધરાવતો ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર 1.60 ફૂટ બાકી રહ્યો છે. ચાલુ સપ્તાહે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી હોય આગામી દિવસોમાં પણ ભાદર છલકાય જાય તેવી સંભાવના જણાય રહી છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન 11 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર 1.60 ફૂટ બાકી રહ્યો છે. 34 ફૂટે ઓવરફલો થતા ભાદરની સપાટી 32.40 ફૂટે પહોંચી જવા પામી છે. છેલ્લા 24 કલાકમાં નવું 0.13 ફૂટ પાણી આવ્યું છે. 6644 એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ભાદર ડેમમાં હાલ 5889 એમસીએફટી પાણી સંગ્રહિત છે. હવે 747 એમસીએફટી પાણીની આવક થશે તો ડેમ ઓવરફલો થઈ જશે. કરાર મુજબ વિતરણ વ્યવસ્થા માટે રાજકોટને ભાદર ડેમમાંથી દૈનિક 45 એમએલડી પાણી મળે છે.

ભાદર ઉપરાંત મચ્છુ-1 ડેમમાં 0.96 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.36 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.33 ફૂટ, ડેમી-3 ડેમમાં 0.16, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શેઢા ભાડથરીમાં 1.15 ફૂટ, વેરાડી-1માં 0.20 ફૂટ, વેરાડી-2માં 0.49 ફૂટ, મીણસારમાં 0.16 ફૂટને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાવકા) 0.79 ફૂટ લીંબડી ભોગાવો 1માં 0.62 ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.