Abtak Media Google News

અબતક, રાજકોટ

ગુજરાતમાં ચોમાસુ સક્રિય છે. જેના કારણે સતત વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે ફરી મેઘરાજાએ મહેર ઉતારી હતી. ધોરાજીમાં સવા ચાર ઇંચ અને વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. રાજ્યના 183 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. આજ સુધીમાં રાજ્યમાં સિઝનનો 78.75 ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ધોરાજીમાં 4। ઇંચ, વિસાવદરમાં 3॥ ઇંચ વરસાદ

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 183 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ વરસી ગયો છે. આગામી 26મી સુધી રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે અસહ્ય ઉકળાટ બાદ સમી સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. રાજકોટમાં પણ દિવસ દરમિયાન ઝાપટા વરસતા રહ્યાં હતાં.

ધોરાજીમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે સવા ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લાના ઉમરાળામાં બે ઇંચ, અમરેલી જિલ્લાના બગસરા અને જૂનાગઢ શહેર તથા ગ્રામ્યમાં સવા ઇંચ, ભાવનગર જિલ્લાના ઘોઘા, વલ્લભીપુર અને પાલિતાણામાં એક-એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.

Rain Monsoon 6 1

ભાવનગરના ઉમરાળામાં બે ઇંચ, અમરેલીના બગસરામાં દોઢ ઇંચ, જેતપુર દોઢ ઇંચ, જૂનાગઢમાં સવા ઇંચ, ઘોઘા, વલ્લભીપુર, કુતીયાણા અને પાલિતાણામાં એક-એક ઇંચ વરસાદ: રાજ્યના 183 તાલુકાઓમાં વરસાદ

પોરબંદરના કુતીયાણામાં પણ એક ઇંચ ખાબક્યો હતો. ઉપલેટા, રાણાવાવ, ભેંસાણ, તળાજા, લોધિકા, સિંહોર અને બોટાદમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી હવે પાક બળી જવાની ભીતી ઉભી થવા પામી છે. પંચમહાલના જાંબુઘોડામાં સાડા છ ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય જવા પામી છે. ગુજરાતમાં આજ સુધીમાં સિઝનનો 78.75 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 77.12 ટકા ઉત્તર ગુજરાતમાં 63.02 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 71.29 ટકા, સૌરાષ્ટ્રમાં 89.80 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 78.05 ટકા વરસાદ પડ્યો છે.

ધોરાજીમાં ગઇકાલે 4 ઇંચ વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. મોસમનો કુલ વરસાદ 42 ઇંચ નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. ધોરાજી ગઇકાલે બપોર થી રાત્રિ સુધીમાં જોરદાર વરસાદ પડતા સાંજ સુધીમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડતા ખેતીને વ્યાપક નુકશાન થયેલ છે અને કપાસ, મગફળી, સોયાબીન, તલ અને ડુંગળીના પાકને ખૂબ જ નુકશાન થયેલ છે.

બગસરા પંથકમાં છેલ્લા 12 કલાકમાં ધીમી ધારે દોઢ ઈંચ વરસાદ પડ્યો મુંજિયાસર ડેમ ઓવરફલો થતા સાતલડી નદીમાં પુર આવ્યા. બગસરામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં સતત 12 કલાક ધીમીધારે બગસરામાં પડ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમજ મુંજિયાસર ડેમ 6 સેમી જેટલો ઓવર ફ્લો થતા નદીમાં પુર આવ્યા છે અને નદી પુરાના બેઠા પુલ તેમજ ઝાંઝરીયા વાળો રસ્તો પાણી આવી જતા બંધ થયેલ છે. જે તસવીરમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.