Abtak Media Google News

ડિફેકટ લાયેબીલીટી હેઠળ ગેરંટીવાળા તૂટેલા રસ્તાઓ એજન્સીના ખર્ચે રીપેર કરાવાશે: તમામ 18 વોર્ડમાં 10089 ચો.મી. રસ્તાનું રીપેરીંગ કામ પૂર્ણ થયાનો કોર્પોરેશનનો દાવો

શહેરમાં ગત સપ્તાહે પડેલા અનરાધાર વરસાદના કારણે રાજમાર્ગોને પારાવાર નુકશાની થવા પામી છે. શહેરનો એકપણ રોડ એવો નથી કે જ્યાં એક-એક ફૂટના ખાડાના દર્શન થતાં ન હોય વરસાદે વિરામ લેતાની સાથે જ કોર્પોરેશન દ્વારા 913 રસ્તાઓને થયેલી નુકશાની માટે હાથ ધરવામાં આવેલો સર્વે તાજેતરમાં પૂર્ણ થઈ ગયો છે.

11865 ચો.મી.ના રસ્તાઓને નુકશાની થવા પામી છે. ગેરંટીવાળા 2546 રસ્તાઓમાં ભંગાણ સર્જાયું છે. યુદ્ધના ધોરણે વોર્ડવાઈઝ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 10089 ચો.મી. એરીયાનું રીપેરીંગ કામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. બાકીના 1781 ચો.મી. રસ્તાનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ લેવામાં આવશે.

દરમિયાન ગેરંટીવાળા જે રસ્તા તૂટ્યા છે તેનું સમારકામ ડિફેકટ લાયેબીલીટી હેઠળ જે તે એજન્સી પાસે કરાવવામાં આવશે. તંત્ર દ્વારા ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે હાલ શહેરભરમાં રસ્તા રીપેરીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.પરંતુ મોટાભાગના રસ્તાઓની હાલત ગાડા માર્ગથી પણ બદતર થઈ જવા પામી છે.

ભારે વરસાદને પગલે જાહેર માર્ગોને થયેલ નુકસાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ 18 વોર્ડમાં જાહેર રસ્તાઓ પરના કુલ મળીને 11,865 ચો.મી. એરિયામાં નુકસાન થયું હતું, જે પૈકી આશરે કુલ 10,089 ચો.મી. એરિયાનું મેટલ, મોરમ અને પેવિંગ બ્લોક વડે પેચ વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે.જ્યારે બાકી રહેલા 1781 ચો.મી. જેટલા એરીયામાં સમારકામ ચાલુ છે અને આગામી થોડા દિવસોમાં જ કામ પૂર્ણ કરી લેવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદ બાદ શહેરના તમામ વોર્ડમાં જે રસ્તાઓમાં નુકસાન થયેલ છે તેમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના તારણો અનુસાર વેસ્ટ ઝોનમાં 371 સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ, ઈસ્ટ ઝોનમાં 207 સોસાયટી અને મુખ્ય રસ્તાઓ અને સેન્ટ્રલ ઝોનમાં 335 સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓમાં કુલ 2546 ચો.મી. જેટલા એરીયામાં નુકસાન જોવા મળેલ છે. ડિફેક્ટ લાયેબિલિટી હેઠળ જે તે એજન્સી પાસે તેના ખર્ચે આ રસ્તાઓ રીપેર કરાવવામાં આવનાર છે. તેમજ હવે અન્ય રસ્તાઓ પર ડામર પેચ વર્ક પણ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.