Abtak Media Google News

ચૂંટણીની પુરજોશમાં ચાલતી તૈયારીઓ 

18મી સુધી દાવા અરજી થઈ શકશે, 25મીએ અરજીની ચકાસણી કરી અંતિમ નિર્ણય લેવાશે

રાજકોટ : રાજકોટની 546 મળી રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. જે સંદર્ભે જિલ્લાની ગ્રામ પંચાયતોની ફોટોવાળી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ ગઈ છે.હવે આગામી તા.28ના રોજ તેની અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લાની 546 ગ્રામ પંચાયતોની આજે ફોટોવાળી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે. હવે તા.18 સુધી દાવા અરજીઓ રજૂ કરી શકાશે. તા.25ના રોજ આ દાવા અરજીઓની ચકાસણી કરી આખરી નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તા.28ના રોજ વોર્ડવાર પુરવણી સહિત ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનાર છે.

ડિસેમ્બર 2021માં મુદ્દત પૂર્ણ થતી રાજકોટ જિલ્લાની 546 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. સરકારે રોટેશન બેઠકોનો એક અહેવાલ ચૂંટણી પંચને મોકલ્યો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સામાન્ય રીતે રાજકીય પ્રતિક પર લડાતી નથી તેથી કેટલી પંચાયત કઇ પાર્ટીને મળી છે તે નિશ્ચિત બનતું નથી, પ્રત્યેક પાર્ટીઓ સમર્થિત ઉમેદવારની જીતના માત્ર દાવા કરી શકે છે. ગ્રામ પંચાયતની આ ચૂંટણીઓ બેલેટ પેપરની પ્રક્રિયાથી પૂર્ણ થાય છે. ગામડાના વિકાસ માટે 2001થી રાજ્ય સરકાર વધારાની ગ્રાન્ટ ફાળવી શકે તે માટે પ્રત્યેક ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતનો કોલ આપતી હોય છે અને 15 થી 20 ટકા પંચાયતોમાં ચૂંટણી નહીં પણ સરપંચની પસંદગી થતી હોય છે.

રાજ્ય સરકારે રોટેશન રિપોર્ટ એટલે કે સામાન્ય બેઠક, મહિલા અનામત, એસસી-એસટી અનામત સહિતની બેઠકોની જાણકારી ચૂંટણી પંચને આપી છે. આ ચૂંટણી પંચ કોરોના ગાઇડલાઇન પ્રમાણે થવાની છે.પંચાયતોની ચૂંટણી માટે ઓક્ટોબરના મધ્યમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ નવેમ્બરમાં ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે.

આજરોજ ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ જિલ્લાની 546 ગ્રામ પંચાયત માટે આજે વોર્ડ વાર ફોટોવાળી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી છે. હવે આગામી તા.28ના રોજ અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવશે.

તાલુકા વાઇઝ ગ્રામ પંચાયતો

  • રાજકોટ -89
  • ગોંડલ-75
  • જેતપુર – 47
  • જસદણ-43
  • લોધિકા- 36
  • જામકંડોરણા-47
  • કોટડાસાંગાણી-40
  • ઉપલેટા- 51
  • પડધરી – 60
  • વીંછીયા- 30
  • ધોરાજી -28
  • કુલ- 546

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.