Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં કર્યું સંબોધન

અબતક, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આઝાદી માટે આપણું આંદોલન અને આપણો ઈતિહાસ માનવાધિકારોની પ્રેરણા અને માનવાધિકારના મૂલ્યોનો ખુબ મોટો સ્ત્રોત છે. તેમણે એમ પણ કહ્યું કે માનવાધિકારોના નામ પર કેટલાક લોકો દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે અને આપણે તે પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગરીબ લોકોને શૌચાલય, રાંધણ ગેસ જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવી, ત્યારે તેનાથી પણ તેમનામાં અધિકારો પ્રત્યે જાગૃતતા ઉત્પન્ન થઈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવાધિકારોને રાજનીતિક ફાયદા-નુકસાનની દ્રષ્ટિથી જોવા, તે આ અધિકારોની સાથે સાથે લોકશાહીને પણ નુકસાન પહોંચાડે છે. માનવાધિકારોના નામ પર કેટલાક લોકો દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે, આપણે તે પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.

પીએમ મોદીએ સંબોધન કરતાં વિપક્ષ પર નિશાન સાધતાં જણાવ્યુ હતુ કે માનવાધિકારનું ઉલ્લંઘન ત્યારે થાય છે જ્યારે તેને રાજકીય રંગથી જોવામાં આવે છે, રાજકારણના ચશ્મા દ્વારા જોવામાં આવે છે, રાજકીય નફા-નુકશાનના ત્રાજવામા તોલવામાં આવે છે. આ પ્રકારનો વ્યવહાર, લોકશાહી માટે પણ એટલો જ નુકશાનકારક હોય છે. પીએમ મોદીએ કહ્યું હતુ કે હાલના વર્ષોમાં માનવાધિકારની વ્યાખ્યા કેટલાક લોકો પોત-પોતાની રીતે, પોતાના હિતને ધ્યાનમાં રાખીને કરવા લાગ્યા છે.

એક જ પ્રકારની કોઈ ઘટનામાં કેટલાક લોકોને માનવાધિકારનું ઉલ્લંઘન દેખાય છે અને એવી જ અન્ય કોઈ ઘટનામાં એ જ લોકોને માનવાધિકારનું ઉલ્લંઘન દેખાતું નથી. આ પ્રકારની માનસિકતા પણ માનવાધિકારને ખૂબ મોટું નુકશાન પહોંચાડે છે. મોદીએ વધુમાં કહ્યું કે, આઝાદી માટે આપણું આંદોલન, આપણો ઇતિહાસ ભારત માટે માનવાધિકાર માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે. આપણે સદીઓ સુધી અધિકારો માટે સંઘર્ષ કર્યો છે. એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સ્થાપના દિવસ પર પોતાના ભાષણમાં સરકારના મહિલા સમર્થક પગલાં જેમ કે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો, 26 સપ્તાહની મેટરનેટી લીવ. વગેરેનો પણ હવાલો આપ્યો. માનવાધિકાર સંરક્ષણ કાયદા, 1993 હેઠળ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવાધિકારોી રક્ષા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી કરાઈ હતી. NHRC માનવાધિકારોના ભંગને ધ્યાનમાં લે છે અને તપાસ કરાવે છે તથા સાર્વજનિક પ્રાધિકારો દ્વારા પીડિતને માટે વળતરની ભલામણ કરે છે.

તેઓએ કહ્યું કે વર્ષોથી, દેશે જુદા જુદા વિભાગોમાં વિવિધ સ્તરે થઈ રહેલા અન્યાયને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદાની માંગણી કરી રહી હતી. અમે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને નવા અધિકારો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.