Abtak Media Google News

શહેરમાં 11,42,093 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો: બીજા ડોઝની કામગીરી 86 ટકા સુધી આંબી

પ્રથમ ડોઝનો લક્ષ્યાંક 100 ટકા પૂર્ણ થતાં કોર્પોરેશનમાં ઉજવણી: મેયરે આરોગ્ય કર્મીઓને પાઠવ્યા અભિનંદન

રાજકોટમાં હજુ હજારો લોકો એવા છે કે, જેણે કોરોનાની વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી છતાં મહાપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલો પ્રથમ ડોઝનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થવા પામ્યો છે. શહેરમાં લાયકાત ધરાવતા 11,42,093 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે બીજા ડોઝની કામગીરી પણ 86 ટકાએ પહોંચી જવા પામી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોરોના મહામારીથી સુરક્ષિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ગત જાન્યુઆરી-2021થી શરૂ થયેલા વેક્સિનેશન અભિયાનમાં વેક્સિનના  પ્રથમ ડોઝનો 100 ટકાનો લક્ષ્યાંક આજે સિદ્ધ થયો છે. આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એક સમારોહમાં પદાધિકારીઓ  અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખાના તબીબો અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેયર અને પદાધિકારીઓએ સૌને પુષ્પગુચ્છ અર્પણ કરી મીઠાઈ ખવડાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશમાં તમામ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવાનું જે મહાઅભિયાન લોન્ચ કર્યું હતું તેમાં રાજકોટ શહેરે પણ પોતાનું 100 ટકા યોગદાન આપ્યું છે તે ખુબ જ આનંદ અને ગૌરવની વાત છે. શહેરમાં 11,42,093 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક 100 ટકા સિદ્ધ થયો છે ત્યારે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકાની આ સિધ્ધિ માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ફાળે જાય છે અને આ માટે સમગ્ર રાજકોટ વતી હું તેઓ સૌને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

વેક્સિનેશન અભિયાન એક ખુબ જ કપરૂ કામ હતું અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સહયોગથી આ સીમાચિહ્ન હાંસલ થયું છે. તેમાં આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના પરિવારની પણ ચિંતા કર્યા આખા રાજકોટ શહેરને જ પોતાનો પરિવાર ગણી તમામ લોકોને વેક્સિનના પ્રથમ ડોઝમાં આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરેલ છે તે ખુબ જ ધન્યવાદને પાત્ર છે. રાજકોટ હાલ બીજા ડોઝની 86 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને જેમને 84 દિવસ પુરા થતા જાય છે તેમ તેમ તેઓને પણ 100 ટકા વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે.

આ તકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પદાધિકારીઓનાં માર્ગદર્શન અને સાથ સહકાર સાથે વેક્સિનનાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરીનો સીમાચિહ્ન આજે પ્રાપ્ત કરી છે. આજે પ્રથમ ડોઝની 100 કામગીરી પૂર્ણ કરાયેલ છે જોકે આ ટકાવારીમાં વધારો થશે કેમ કે, બહારગામથી રાજકોટ આવતાજતા લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટમાં વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓનાં સહયોગથી 80 થી વધારે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવેલ હતાં.

હાલ બીજો આપવાની કામગીરી પણ ચાલી રહી છે અને તેમાં જે લોકોના 84 દિવસ પૂર્ણ થતા જાય તેમ તેમ તેઓને વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યારે બીજા ડોઝની 86 ટકા કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. આરોગ્ય શાખાના સ્ટાફે તેમજ અન્ય સાથી સ્ટાફે રજા લીધા વગર કોરોના મહામારી વખતે અને વેક્સિનેશનમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.