Abtak Media Google News

અબતક, નાગપુર

Advertisement

છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર ગઢચિરોલીમાં શનિવારે થયેલી અથડામણમાં પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર પોલીસના એલીટ કમાન્ડો ફોર્સ સી-૬૦એ કુલ ૧.૩૬ કરોડના ઈનામી ૨૬ માઓવાદીઓને ઠાર કર્યા છે. જેમાં ૪ મહિલા માઓવાદી પણ સામેલ છે. તમામની ઓળખ થઈ ગઈ છે. ૨૬ નક્સલીઓના શબ લઈને કમાન્ડોઝ રવિવારે ગઢચિરોલી હેડક્વાર્ટર પરત ફર્યા હતા. સાથીઓએ ઓપરેશનને સફળ બનાવનારી ટીમનું ઢોલ-નગારા વગાડીને સ્વાગત કર્યું.

માર્યા ગયેલા નક્સલીઓમાં ૫૦ લાખ રૂપિયાનું ઈનામ જેના સામે હતું તે નક્સલી મિલિંદ ઉર્ફે દીપક ઉર્ફે જીવા પણ માર્યો ગયો છે. આ નક્સલીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. આ ઉપરાંત ૧૬ લાખ રૂપિયાનું જેની સામે ઈનામ હતું તે મહેશ ઉર્ફે શિવાજી ગોટા પણ ઠાર થયો છે. આ નક્સલી છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના જગરગુંડાનો રહેવાસી હતો. કમાન્ડોઝ લોકેશ ઉર્ફે મંગૂ પોડયામ કંપની કમાન્ડર-૪ને પણ ઠાર કરવામાં સફળ રહી છે. જેના નામે ૨૦ લાખ રૂપિયાનું ઈનામ હતું.

સરકારે ૫૦ લાખનું ઇનામ જાહેર કરેલા નકસલી મિલિંદને ઠાર મરાયો 

ગઢચિરોલીમાં થયેલી અથડામણમાં જવાનોએ જે ૨૬ નક્સલીઓને ઠાર કર્યા છે, તેમાં ૭ માઓવાદી બસ્તરના છે. તમામ સામે ૪૬ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. સૌથી વધુ લોકેશ પર ૨૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. લચ્છુ અને કોસા પર ૪-૪ લાખ, કિસન ઉર્ફે જયમન અને સન્ના સામે ૮-૮ લાખ રૂપિયાનું ઈનામ જાહેર થયું હતું. જ્યારે ચેતન નામના નક્સલી પર ૨ લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ઠાર થયેલામાં એક મહિલા માઓવાદી પર છે જેની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે.

ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું- લગભગ ૧૦કલાક સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી જેમાં ૩ જવાનોને પણ ગોળી વાગી છે. ત્રણેય ઘાયલ જવાનોને સારવાર માટે નાગપુર રેફર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી ટીમને પાંચ એકે-૪૭, નવ એસએલઆર, ૧ ઈન્સાસ રાઈફલ, ૩ થ્રી નોટ થ્રી, ૯ બારા બોર બંદૂક સહિત ૧ પિસ્તોલ મળી આવી છે. કુલ ૨૯ હથિયાર સહિત મોટી સંખ્યામાં અન્ય સામાન પણ જપ્ત કરાયો છે.

ગઢચિરોલી એન્કાઉન્ટરમાં કમાન્ડોઝે ખૂંખાર નક્સલી મિલિંદને પણ ઠાર કર્યો છે. જેના પર ૫૦ લાખનું ઈનામ જાહેર કરાયું હતું. તે અનેક મોટી ઘટનાઓમાં સામેલ રહ્યો છે. આ નક્સલીઓને ગોરિલ્લા યુદ્ધ પદ્ધતિથી લડવાની ટ્રેનિંગ માટે શિબિર આયોજિત કરતો હતો. તેની પાસેથી ટ્રેનિંગ લઈ ચુકેલા અનેક લીડર આજે મહારાષ્ટ્ર, તેલંગાના, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં આતંક મચાવી રહ્યાં છે. મિલિંદની પત્ની પણ માઓવાદી સંગઠનમાં હતી જેની ૨૦૧૧ માં ધરપકડ કરાઈ હતી.

ગઢચિરોલી પોલીસને ઈન્ફોર્મેશન મળી હતી કે ગ્યારાપટ્ટીના જંગલમાં અનેક હથિયારધારી હાર્ડકોર ઈનામી માઓવાદીઓ છે. આ માહિતીના આધારે સી-૬૦ કમાન્ડોઝની ટીમ શનિવારે સવારે ગઢચિરોલીના આ વિસ્તારમાં ઓપરેશન માટે રવાના થયા હતા. જવાનોએ ચારેબાજુથી આ વિસ્તારને ઘેરી લીધો હ તો. આ વચ્ચે સુમસામ જંગલમાં નક્સલીઓએ કંઈક અવાજ સાંભળ્યો, ઉંચાઈવાળી જગ્યાએ હાજર નક્સલીઓની નજર ફોર્સ પર પડી. જે બાદ નક્સલીઓએ ફાયર શરૂ કરી દીધું. કમાન્ડો ટીમ પણ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

નક્સલીઓએ ફોર્સ પર અનેક યુબીજીએલ પણ છોડ્યા હતા. બંને તરફથી થોડી વાર માટે ફાયરિંગ પણ થંભી ગયું હતું. ત્યાં સુધીમાં ટીમે અનેક નક્સલીઓનો ખાતમો બોલાવ્યો હતો. થોડી વાર પછી ફરી ફાયરિંગ શરૂ થયું. ગાઢ જંગલનો સહારો લઈને અનેક મોટા નક્સલી નેતાઓ ભાગ્યા, જેમાં કેટલાંકને ગોળી વાગી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. લગભગ ૧૦ કલાક સુધી ચાલેલા આ અથડામણમાં કમાન્ડોઝે ૨૬ નક્સલીઓના શબ મળ્યા અને બીજા દિવસે પરત ફર્યા.

બિહારના ગયામાં માઓવાદીઓના હુમલાથી એક જ પરિવારના ૪ લોકોનું મોત

ગયામાં માઓવાદીઓ તાંડવ મચાવી રહ્યાં છે. ગયાથી ૭૦ કિલોમીટર દૂર ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ બે મહિલાઓ સહિત ચાર લોકોની નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ ચારેયને ઘરની બહાર ખાડામાં ફાંસી આપી દીધી હતી. મૃતકોમાં ઘરના પતિ-પત્નીનો સમાવેશ થાય છે. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાવવા માટે એક ઘરને પણ ફૂંકી માર્યું હતું અને મોટરસાઇકલને પણ આગ ચાંપી દીધી હતી. મૃતકોમાં સતેન્દ્ર સિંહ, મનોરમા દેવી અને સુનિતા સિંહનો સમાવેશ થાય છે. નક્સલીઓએ એવું પણ રોષમાં લખ્યું છે કે, હત્યારા, દેશદ્રોહી અને માનવતાના દ્રોહ કરનારાઓને મોત આપવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ તેના ચાર સાથી અમરેશ, સીતા, શિવપૂજન અને ઉદયની હત્યાનો બદલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.