Abtak Media Google News

અજયસિંહ રાણા, લીંબડી:

એક તરફ રેલવેને ડીજીટલાઇઝેશનના રંગમાં લગાડી અધતન સુવિધાની વાતો થઈ રહી છે તો બીજી તરફ ઘણા રેલ્વે સ્ટેશનો પર સુવિધાના અભાવે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી રેલવે સ્ટેશન પર પણ કઈક આવી જ હાલત છે. અહી સ્ટેશન પર ડબલ ટ્રેક થતાં સુવિધામાં વધારો તો થયો છે પરંતુ રેલવે ટ્રેક ક્રોસિંગ બ્રિજ ન હોવાથી અવર-જવર અર્થે મુસાફરો પર જોખમ છે. જ્યારે એક સાથે બે ટ્રેનોને ક્રોસીગ આપવામાં આવે છે ત્યારે સામેના ટ્રેક પર ટ્રેન આવી ને ઊભી રહે ત્યારે મુસાફરોમાં દોડધામ મચી જાય છે.

ટ્રેન પકડવા મુસાફરોએ ના છુટકે પાટા ઓળંગીને પ્લેટફોર્મ સુંધી પહોંચવું પડતું હોય ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા ઉતાવળીયા મુસાફરો તો એક ટ્રેનમાંથી ઉતરી બીજા પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં ચડી બીજા પ્લેટફોર્મ સુંધી પહોંચવા ટ્રેક ક્રોસ કરવા મજબુર બને છે. આવા સમયે ઘણી વાર ઉભેલી ટ્રેન એકાએક ઉપડે છે ત્યારે મુસાફરોમાં ચડવા-ઉતરવામાં દોડધામ મચી જાય છે.

Screenshot 6 25

એમાં પણ જો ટ્રેનમાંથી ન ઉતરી શકે તો ઘણીવાર એ મુસાફરઓએ ફરજિયાત નજીકના બીજા સ્ટેશન એટલે કે લીંબડીથી ચુડા અથવા વઢવાણ સુધી જતા રહેવું પડે છે. પાટા ઓળંગતા વખતે પ્લેટફોર્મ ઉંચું હોય ખાસ કરીને વૃદ્ધો અને મહિલા ઓને ભારે હાલાકી પડી રહી છે. જો લીંબડી રેલવે સ્ટેશન પર ક્રોસિંગ બ્રીજ હોય તો આ કોઇ જ સમસ્યા ઉદભવે નહીં..! પરંતું આ અંગે તંત્ર તરફથી હકારાત્મક પ્રતિસાદ ન મળતા લોકોમાં રોષ પ્રવ્રત્યો છે.

જવાબદારીમાંથી હાથ ઉંચા કરતા અધિકારીઓ

શહેરના આગેવાનોની કે મુસાફરોની રજૂઆતોને ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા હમણાં લીંબડી રેલવે સ્ટેશન પર ક્રોસિંગ બ્રિજનું કોઈ જ આયોજન ન હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દેતાં મુસાફરોને તો એ જ રીતે જીવના જોખમે પાટા ઓળંગી જવુ પડી રહ્યું છે… જેના પગલે ઝાલાવાડ પંથકના લોકોમાં રેલવે તંત્ર વિરુદ્ધ રોષ ફેલાયો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં રેલવે તંત્ર પોતાનુ ઉદાસી વલણ છોડી વહેલી તકે ક્રોસિંગ બ્રિજ બનાવે એવી મુસાફરો માંગણી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.