Abtak Media Google News

પંજાબનો પ્રશ્ન પતાવતા ઉત્તરપ્રદેશ “પંજાબ” પ્રશ્ન બની ગયો!!

23 જાતની જણસો ઉપર ટેકાનો ભાવ વધારવો દેશના અર્થતંત્રને પાયમાલ કરી દેશે?

અબતક, નવી દિલ્હી : કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત કરી સરકારે પંજાબનો સળગતો પ્રશ્ન ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પણ હવે કૃષિ બિલ રદ તો થતા થશે પણ બાકી માંગણીઓને લઈને કૃષિ રાજકારણ વરવું સ્વરૂપ લ્યે તેવી ભીતિ સર્જાઈ છે. હવે ઉત્તરપ્રદેશમાં પણ પંજાબ પ્રશ્ન બનવા જઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે એક વર્ષ પહેલાં લાવવામાં આવેલા ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓને મોટા હૃદયથી રદ્દ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ દિલ્હી-એનસીઆરની સરહદ પર બેઠેલા ખેડૂતો ક્યારે દૂર થશે તે અંગે હજુ કાંઈ નક્કી નથી. યુનાઈટેડ કિસાન મોરચાના નેતાઓ સાથે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતના તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું છે કે- ‘દેશમાં કોઈ રાજાશાહી નથી, માત્ર ટીવી પર જાહેરાતો કરી રહ્યા છે.ખેડૂત ઘરે પાછા નહીં જાય, સરકારે ખેડૂતો સાથે વાત કરવી પડશે.

બીજી તરફ ખેડુત સંગઠને આજે લખનઉમાં સંયુક્ત કિસાન મોરચાની મહાપંચાયત યોજવાનું આયોજન કર્યું છે.  તેમાં દેશભરના ખેડૂતો અને તેમના નેતાઓ હાજરી આપશે. 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મળેલી મહાપંચાયત બાદ આ બીજી મોટી મહાપંચાયત કહેવામા આવી રહી છે.

હવે ખેડૂત નેતા ન્યૂનતમ ટેકાના ભાવ  અને વીજળી સંશોધન બિલ પર કેન્દ્ર સરકારનો કઈ રીતે ઘેરાવ કરાય, આ બાબતે આંદોલન આગળ લઈ જવાની તૈયારીઓ ચલાવી રહ્યા છે. માટે લખનઉની મહાપંચાયત મહત્વની માનવામાં આવી રહી છે. આજે જ વેસ્ટ યુપીથી ખેડૂતો લખનઉ જવા માટે કૂચ કરશે. ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે હજી ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે, લખનઉમાં આજે નક્કી કરવામાં આવશે કે આગળની રણનીતિ શું છે?

નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલન દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા તેને લઈને એક સમિતિ બનાવવામાં આવી હતી.આ સમિતિના એક સભ્ય અનિલ ધનવટે કહ્યુ હતુ કે, નવા કૃષિ કાયદા ખેંચવાનો નિર્ણય લેવાયો છે જે યોગ્ય નથી.એવુ લાગે છે કે, એક વર્ષથી આંદોલન ચાલી રહ્યુ હોવાથી અને કેટલાક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીનુ દબાણ વડાપ્રધાન પર હતુ અને તેના કારણે આ નિર્ણય લેવાયો હશે.અમે આશા રાખીએ છે કે, આ કાયદાને કાયમ માટે કચરાપેટીમાં નહીં નાંખવામાં આવે.તમામ પક્ષકારો સાથે ચર્ચા કરીને નવા કૃષિ કાયદા લાગુ થશે.

ધનવટે કહ્યુ હતુ કે, આઝાદીના 70 વર્ષ પછી પણ દેશમાં કોઈ ચોક્કસ કૃષિ પોલિસી નથી.આપણે ખેડૂતોને લૂંટનારી અંગ્રેજોની નીતિનો જ હજી અમલ કરી રહ્યા છે ત્યારે વ્યાપક સુધારાની જરુર છે.ખેડૂતોને તેમની ઉપજનો વેપાર કરવાની આઝાદી હોવી જોઈએ. ખેડૂતને ટેકનોલોજી વડે પણ સશક્ત બનાવવાની જરુર છે.તેમને સારા ઉપકરણો, હેરફેર કરવા માટે સારા રસ્તા, ઉદ્યોગો સુધી પહોંચ, કોલ્ડ સ્ટોરેજની સુવિધા જેવી વસ્તુઓની જરુર છે.ભારતનો ખેડૂત હાલમાં નેગેટિવ સબસિડી મેળવી રહ્યો છે.

ધનવટે કહ્યુ હતુ કે, સમિતિએ સુપ્રીમ કોર્ટને જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં નવા કાયદા હેઠળ ખેડૂતોને જો કોઈ સમસ્યા હોય તો તેના માટે ખાસ અદાલતો સ્થાપવાની અને આ સિવાય મિનિમમ સપોર્ટ પ્રાઈઝને લઈને પણ સૂચન કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, હાલમાં 23 પ્રકારના પાક માટે એમએસપી અપાય છે.

જ્યારે શાકભાજી, માછીમારી , મિલ્ક પ્રોડક્ટ જેવા ક્ષેત્રોમાં એમએસપી નથી, જે ઝડપથી વિસ્તરી રહ્યા છે.દેશમાં 41 લાખ ટન અનાજની અને બફર સ્ટોકની જરુર હોય છે અને તેની જગ્યાએ સરકારે એમએસપીના કારણે 110 લાખ ટન અનાજ ખરીદવુ પડે છે.વધારોનો સ્ટોક રાખવા યોગ્ય વ્યવસ્થા નથી એટલે આ અનાજ કાંતો વેડફાઈ જાય  છે અથવા તો તેમાં ભ્રષ્ટાચારના મામલા સામે આવે છે.ખેડૂતોની સમસ્યાનુ સમાધાન એમએસપી નહીં પણ મુક્ત બજાર વ્યવસ્થા છે.

ખેડૂત સંગઠનોની વધારાની માંગણી

  • કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ ખેડૂત સંગઠનો સાથે વાત કરવી જોઈએ
  • કેન્દ્ર સરકારે લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવા સંમત થવું જોઈએ
  • હજારો આંદોલનકારી ખેડૂતો અને તેમના નેતાઓ પર દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ
  • લખીપુરખીરી ઘટનાના પીડિતોને ન્યાય મળવો જોઈએ અને દોષિતો સામે પગલાં લેવા જોઈએ
  • વીજળી બિલ મુદ્દો
  • વાયુ પ્રદૂષણ અંગેનો મુદ્દો, જે ખેડૂતો દ્વારા પરાળી બાળવાથી સંબંધિત છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.