Abtak Media Google News

સીપીસીની જગ્યાએ અન્ય પેપર નિકળતા છેલ્લી ઘડીએ થઈ દોડાદોડી: વિદ્યાર્થીઓને હેન્ડરાઈટીંગવાળુ પેપર આપવામાં આવ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે યુનિવર્સિટીની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છેત્યારે એલએલબી સેમ-5ની પરીક્ષામાં આજે છબરડો જોવા મળ્યો હતો. સીપીસી વિષયના પેપરની જગ્યાએ આવતીકાલનું પેપર નિકળતા છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ હતી અને વિદ્યાર્થીને હેન્ડરાઈટીંગવાળુ પેપર મળતા રાજકોટની મોટાભાગની કોલેજોમાં હોબાળો થયો હતો અને વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ગંભીર બેદરકારી જણાવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, આજે એલએલબી સેમ-5ના પેપરમાં આવતીકાલનું પેપર કોલેજે મોકલતા આ બનાવ બન્યો છે. જો કે વિદ્યાર્થીઓને સમયસર પેપર આપી દેવામાં આવ્યા હતો. એક-બે કોલેજ એવી હતી જ્યાં આજનું પેપર પહોંચાડવામાં મોડુ થયું હતું ત્યાં વિદ્યાર્થીઓને 15 મિનિટનો સમય વધારાનો આપવામાં આવ્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આમા કોઈ જ ભુલ નથી કેમ કે પેપર પહોંચાડવાનું કામ પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા થતું હોય છે. પ્રિન્ટીંગ પ્રેસના માણસોથી આ ભુલ થઈ છે અને ડિલેવરી મેનથી આ ભુલ બહાર આવી છે. જો કે સમય સુચકતા સાથે બધુ થાળે પડી ગયું હતું અને કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી પડી હોય તેવું સામે આવ્યું નથી.

બીએસસી સેમ-5 કેમિસ્ટ્રીના પેપરમાં 7 માર્કસનું બહારનું પુછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક બાદ એક ગંભીર બેદરકારી સામે આવતી જાય છે ત્યારે આજે એલએલબીના પેપરમાં હોબાળો થયા બાદ બીએસસી સેમ-5 કેમિસ્ટ્રીના પેપરમાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી હતી. આજના કેમિસ્ટ્રીના પેપરમાં વિદ્યાર્થીને વિષય બહારનું પુછાતા વિદ્યાર્થીઓ અકળાયા હતા. જો કે પરીક્ષા નિયામક અને અન્ય સત્તાધીશોનું એ જ રટણ છે કે, કોર્ષ બહારનું એક પણ પ્રશ્ર્ન પુછવામાં આવ્યો નથી. જો કે હવે એ જોવાનું રહ્યું કે, આ વાતમાં તથ્ય કેટલું ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.