Abtak Media Google News

સારવાર માટે દર્દીઓ ‘ઉડીને’ હોસ્પિટલે પહોચી શકશે; એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

દેશભરમાં આરોગ્યની સેવા વધુ મજબુત બનતી જઈ રહી છે. એમાં પણ ખાસ કોરોનાકાળમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટા સુધારા થયા છે. એમાં પણ ગુજરાતમાં મેડિકલ સુવિધા વધુ વિકસિત થઈ છે ત્યારે હવે માત્ર ટુરિઝમ નહીં પણ સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્ર વિકસાવવા તરફ ગુજરાત સરકારે આગળ વધતા રાજ્યમાં સ્વાસ્થ્ય માળખું વધુ મજબૂત બનશે. રાજ્યમાં જેમ હાલ રોડ પર દોડતી એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચી શકાય છે તેમ હવે આગામી ટૂંક સમયમાં હવાઈ મુસાફરી મારફતે એટલે કે હવે ઉડીને હોસ્પિટલ સુધી પહોંચી શકાશે..!! જી હા રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સ શરૂ કરવાનો માસ્ટર પ્રોજેક્ટ તૈયાર કરી તાજેતરમાં કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તુત કર્યો છે.

ગઈકાલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે નવી દિલ્હી ખાતે તમામ રાજયોના નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી પણ જોડાયા હતા. આ બેઠકમાં તેમણે રાજ્ય સરકારનો એર એમ્બ્યુલન્સનો પ્રોજેક્ટ રજૂ કરી અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે.આ મુદ્દે કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું છે. મંત્રી પૂર્ણેશ મોદીએ વધુ વિગતો આપતાં કહ્યુ કે, આ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

એર એમ્બ્યુલન્સ માટે કેટલો ચૂકવવો પડશે ચાર્જ..?

તેમણે એર એમ્બ્યુલન્સ સર્વિસના ચાર્જ જણાવતા કહ્યું કે ૧૦૮ દ્વારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.૫૦૦૦૦/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.૫૫૦૦૦/- તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.૬૦૦૦૦/-નું ભાડૂ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી સ્થિત હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે.

સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળો સાબરમતી રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ સેવા માટે કેન્દ્રને આર્થિક સહાયની રજૂઆત પણ કરવામાં આવી છે.

રાજકોટમાં એવિએશન પાર્કના જોડાણ માટે ટેક્ષીલિન્કની મંજૂરી મંગાઈ

આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે મંજુરી માંગવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી નાગરિકોને સુવિધા પુરી પાડવા એવિએશન પાર્કના જોડાણ માટે ટેક્ષીલિન્કની મંજુરી માંગવામાં આવી છે. આ સિવાય કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગની સુવિધા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.