Abtak Media Google News

એકિટવ કેસનો આંક 400ને પાર: સતત બીજા દિવસે 60થી વધુ કેસ નોંધાયા: અમદાવાદ અને સુરતમાં વધતુ સંક્રમણ

 નવા વેરિએન્ટના ઘેરાતા સંકટ વચ્ચે ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે કોરોનાના 61 કેસ નોંધાયા બાદ બૂધવારે 6 કેસના વધારા સાથે કોરોનાના 67 કેસ નોંધાયા હતા. અમદાવાદ, સુરત અને જામનગર કોર્પોરેશન વિસ્તારોમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. સતત વધતા કેસથી સરકાર સજજ થઈ ગઈ છે. બીજી તરફ રાજયમા એકિટવ કેસનો આંક 417એ પહોચી જવા પામ્યો છે.

ગુજરાતમાં બૂધવારે સતત બીજા દિવસે કોરોનાના 60થી વધુકેસ નોંધાયા હતા. મંગળવારે 61 કેસ મળી આવ્યા બાદ બૂધવારે 67 કેસ નોંધશયા હતા આ સાથે રાજયમાંકોરોનાના એકિટવ કેસનોઆંક 400થી પાર થઈ 417એ પહોચી જવા પામ્યો છે. 8 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. અને 409 દર્દીઓની હાલત સ્થીર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બૂધવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 23 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 7 કેસ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ, બનાસકાંઠા વિસ્તારમાં 3 કેસ, વલસાડ વિસ્તારમાં 3 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં બે કેસ, કચ્છમાં બે કેસ, નવસારીમાં બે કેસ, વડોદરામાં 1 કેસ, અને તાપી જિલ્લામાં કોરોનાના 2 કેસ સહિત બૂધવારે કુલ 67 કેસો નોંધાયા છે. ગઈકાલે 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અને 3,34,822 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું હતુ.

રાજયમાં અત્યાર સુધીમાં 8,17,361 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. રિકવરી રેઈટ 98.73 ટકા નોંધાયો છે. જયારે કોરોનાથી 10095 લોકોના મોત નિપજયા છે. વેકિસનના 8,38,62,280 ડોઝ આપી લોકોને કોરોનાથી સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે. સતત સંક્રમણ વધી રહ્યું હોય સરકારી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં રાત્રિ કરફયુની અવધી કાલે પૂર્ણ

રાજયમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય મહાપાલિકાઓને રાત્રિ સંચાર બંધીમાંથી મુકિત મળે તેવી સંભાવના નહિવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ચાર અને રાજયની કુલ આઠ મહાપાલિકાના વિસ્તારોમાં અમલમાં રહેલા રાત્રી કરફયુની અવધી આવતીકાલે પૂર્ણ થઇ રહી છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોનાના કેસ વધી રહ્યા હોય મહાપાલિકાઓને રાત્રી કરફયુમાંથી મુકિત મળે તેવી સંભાવના ખુબ જ નહિવત જણાય રહી છે. આવતીકાલે રાજય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માર્ચ 2020માં લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ રાજયની આઠ મહાપાલિકા વિસ્તારોમાં રાત્રિ કરફયુ અમલમાં છે સમય અને  સંજોગોના આધારે તેમાં છુટછાટ આપવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં રાત્રિ કરફયુની અવધી રાત્રીના 1 વાગ્યાથી લઇ સવારના છ વાગ્યા સુધી કરવામાં આવી હતી. દરમિયાન ગત 1લી ડિસેમ્બરે જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં 10મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફયુની અવધી રાત્રિના 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવી હતી. હાલ મહાપાલિકા વિસ્તારોમાં માત્ર ચાર કલાક નામ પુરતો રાત્રિ કરફયુ અમલમાં છે.

આવતીકાલે રાત્રિ કરફયુની અવધી પૂર્ણ થઇ રહી છે. દરમિયાન હાલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દુબઇ- યુએઇના પ્રવાસે હોય તેઓ મોડી રાત્રિએ ગુજરાતમાં પરત ફરશે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ મહાપાલિકા વિસ્તારમાં રાત્રિ કરફયુ યથાવત રાખવો, કલાકોમાં વધારો ઘટાડો કરવો, રાત્રિ કરફયુ લંબાવવો તો કેટલા દિવસ વધારવો સહીતની સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.

જામનગરના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સહિત ત્રણ સભ્યો સંક્રમિત: પરિવારમાં લગ્ન સમારંભ મોકૂફ

જયપૂરમાં પુત્રનો લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ લાલ પરિવારને કોરોના વળગ્યો

જામનગરના જાણીતા બિઝનેસમેન જીતુભાઇ લાલ સહિત તેમના પરિવારના ત્રણ સભ્યો જયપુરથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત નોંધાયા છે.  તેમના મોટાભાઇના બે પુત્રોના તા.11 ડીસેમ્બરે આગ્રા ખાતે યોજાયેલ લગ્ન સમારંભ મોકુફ રાખવામાં આવ્યો છે. તેમની સાથે લગ્ન પ્રસંગમાં જયપુર ગયેલા લોકોને તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવા અને આરોગ્ય તંત્રને જાહેર હિતમાં અનુરોધ કર્યો છે.

જામનગરના જાણિતા બિઝનેસમેન, અશોકભાઇ લાલ અને જીતુભાઇ લાલને ત્યાં પુત્રના  તાજેતરમાં જયપુર ખાતે પુત્ર ક્રિષ્નરાજ લાલનો લગ્ન સમારોહ યોજાયો હતો. જ્યાં લગ્ન યોજાયેલ તે પેલેસમાં કેટલાંક વિદેશથી આવેલ મુસાફરો ઉતર્યા હતાં. આ લગ્ન સમારોહ સંપન્ન થયા બાદ જામનગર પરત ફરેલા કુટુંબીજનો અને લગ્નમાં જોડાયેલ અન્ય લોકોને  એક અપીલ કરી છે. ઓડિયો ક્લીપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જીતુભાઇ લાલે અપીલ કરી છે કે પોતાના સહિત પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સેલ્ફ ક્વોરેન્ટાઇન છે. હાલ જામનગરમાં કોરોનાનું સંક્રમણ ફરી શરૂ થયું છે ત્યારે તંત્રને મદદરૂપ થવું જરૂરી છે. આથી લગ્ન પ્રસંગે હાજર રહેલ તમામ લોકો જાહેર હિતમાં તેમજ તેમની પોતાની સલામતી માટે વહેલી તકે કોરોનાનો ટેસ્ટ કરાવી લે તેવી અપીલ કરી છે.

શ્રીજી ગ્રુપ ઓફ કંપનીના મુખ્ય સંચાલક અને તેમના મોટાભાઇ અશોકભાઇ લાલના બે પુત્ર મિતેશ અને વિરાજના લગ્નનો સમારોહ તા.11ના રોજ આગ્રા ખાતે યોજાનાર હતો તે પણ મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું પણ જીતુભાઇએ જાહેર કર્યું છે.જીતુભાઇ લાલ એક વર્ષ પહેલાં પણ સંક્રમિત થયા હતાં. લાલ પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત થયાના સમાચારને પગલે તેમના વિશાળ શુભચિંતક વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જો કે જીતુભાઇ સહિત ત્રણેયની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

લગ્નમાં ગયેલ લોકોની કોરોના ટેસ્ટ માટે દોડધામ શરૂજયપુર ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં સહભાગી થવા ગયેલા જામનગરના અનેક લોકોએ જીતુભાઇ લાલની અપીલને પગલે કોરોના ટેસ્ટ કરાવવા ખાનગી લેબોરેટરીઓ તરફ દોડધામ શરૂ કરી હોવાનું અને 20 થી વધુ લોકોએ ટેસ્ટીંગ કરાવી લીધા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.