Abtak Media Google News

ચૂંટણી સંદર્ભે અધિક જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યા જાહેરનામા

સરકારી નોકરી કે રોજગારમાં હોય તેવી વ્યક્તિ, લગ્નમાં વરઘોડા અને સ્મશાન યાત્રાને મુક્તિ

ચૂંટણી સંદર્ભે રાજકોટ અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં એક જાહેરનામા હેઠળ જિલ્લામાં ચાર કે તેનાથી વધુ વ્યક્તિને ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે તેમાં સરકારી નોકરી કે રોજગારમાં હોય તેવી વ્યક્તિ, લગ્નમાં વરઘોડા અને સ્મશાન યાત્રાને મુક્તિ આપવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગત તા.22 નવેમ્બરના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે. આ ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું તા.29 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થવાનું છે. મતદાન 19 ડીસેમ્બર તથા મત ગણતરી તા.21 ડીસેમ્બરના રોજ યોજવામાં આવનાર છે.

આ ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં જરૂરી સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે રાજકોટ અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે  તા.24 ડીસેમ્બર સુધી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહિ.

આ જાહેરનામાં વધુમાં જણાવાયું છે કે જિલ્લામાં પરવાનગી વગર કોઈ સભા ભરી શકાશે નહીં. કોઈ સરઘસ કાઢી શકાશે નહિ. તેમજ ચૂંટણી વૃષયક સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાનો રહેશે. આ જાહેરનામામાં ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગરમાં હોય તે વ્યક્તિ તથા સ્મશાન યાત્રાને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી અધિનિયમની કલમ 188 હેઠળ શિક્ષાનર પાત્ર થશે.

ધર્મ- જાતિને આગળ ધરી મતદાનની અપીલ કે હરીફ વિરોધી લખાણવાળા ચોપનિયા બનાવનાર સામે કાર્યવાહી કરાશે

જાહેરનામામાં જણાવાયું છે કે ધર્મ- જાતિને આગળ ધરીને મતદારોને મતદાનની અપીલ કરવી તથા વિરોધી ઉમેદવારના ચારિત્ર્યનહ ખંડન કરી ગેરકાનૂની વાંધાજનક બાબતવાળું લખાણ ધરાવતા ચોપાનીયા, ભીતપત્રો વગેરે તૈયાર કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આના નિયંત્રણ માટે જરૂરી આદેશો આપવામાં આવે છે. જેમાં જણાવાયું છે કે ચોપાનિયામાં મુદ્રક અને પ્રકાશકનું નામ સરનામું ફરજીયાત પણે લખવું પડશે.

કોઈ વ્યક્તિએ ચોપાનિયા છપાવવા માટે તેની સહી વાળા અને તેને અંગત રીતે ઓળખતા હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોવી જોઈએ. લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરાર પત્રની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીને તથા સબંધીત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોવી જોઈએ. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરાર પત્ર જોડાણ -ક અને જોડાણ-ખના નિયત નમૂનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સબંધીત ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે.

બહારથી આવેલા પ્રચારકોએ 17 ડીસેમ્બરે સાંજે 6 વાગ્યા સુધીમાં વિસ્તાર છોડવો પડશે

ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન સમગ્ર રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લા તથા પોલીસ કમિશ્નરના શહેર વિસ્તારના રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચુંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓઅ ચુંટણી પ્રચારના અંત પછી એટલે કે તા. 17/12/2021 ના સાંજન 6 વાગ્યા પહેલા તાત્કાલીક ધોરણે ઉકત વિસ્તાર છોડી જતા રહેવું.

આ જાહેરનામાની અમલવારી સુનિશ્ર્ચિત કરવા પોલીસ તંત્ર તથા જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સાર્વજનીક સભો ખંડો,  હોટલ રેસ્ટોરન્ટ, વીશી અને અતિથિગૃહોની ધનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઇ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવી.રાજકીય પક્ષના રાજય કક્ષાના ઇન્ચાર્જ પદાધિકારીઓએ રાજયના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે. તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક-જાવક કરી શકશે.

સરકારી, અર્ધસરકારી તથા પંચાયતના વિશ્રામગૃહો તેમજ સરકારી રહેણાંકના ઉપયોગ ઉપર પ્રતિબંધ

જાહેરનામાંમાં જણાવાયુ છે કે સમગ્ર રાજકોટ ગ્રામ્ય પોલીસ તથા પોલીસ કમિશનરના શહેર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધ સરકારી આરામ ગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર પ્રસારના હેતુસર ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિશ્રામ ગૃહ, અતિથિગૃહ, ડાક બંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટિંગ પણ યોજી શકાશે નહીં. આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કિંગ કરી શકાશે નહીં.

ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ કે અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેને વિશ્રામ ગૃહ કે અતિથિ ગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે. સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલા અધિકારી કે નિરીક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.