Abtak Media Google News

એક આઈડિયા દુનિયા બદલ દે…

એરટેલ, વોડાફોન-આઈડિયા બાદ હવે રિલાયન્સ જીઓએ પણ ટેરીફ પ્લાનમાં ૨૦% સુધીનો વધારો કર્યો

અગાઉ તમામ મોબાઈલ સીમકાર્ડ ઓપરેટર કંપનીઓ એકબીજા સાથેની હરીફાઈમાં ઉતર્યા હતા. તમામ કંપનીઓ સસ્તા ટેરીફ પ્લાન આપવાની હોડમાં ઉતર્યા હતા જેના પરિણામે કંપનીઓ દેવાળું ફૂંકી બેઠી હતી. એક તબક્કો એવો પણ આવી ગયો કે, વોડાફોન-આઈડિયા કંપની બંધ કરી દેવાના સ્તરે પહોંચી ગઈ હતી. આ સમયે સરકારે સમગ્ર મમાલમાં ઝંપલાવી મામલો થાળે પાડીને વોડાફોન-આઈડિયાને ઉઠી જતા બચાવી હતી.

કેન્દ્ર સરકારને ભીતિ હતી કે, હાલ ભારતીય બજારમાં ફક્ત ૪ ખેલાડીઓ જ છે તેમાંથી પણ જો બે ખેલાડીઓ ઉઠી જાય તો અન્ય બે કંપનીઓ મિલીભગત કરીને મનફાવે તેવા ટેરીફ પ્લાન બજારમાં મુકશે અને ગ્રાહકોએ નાછૂટકે પણ આ ટેરીફ પ્લાન લેવા જ પડશે.

એકબીજા સાથેની હરીફાઈ લાંબા સમય સુધી ચલાવ્યા બાદ હવે તમામ સીમકાર્ડ કંપનીઓને ડહાપણ સુજ્યું છે અને એરટેલ, વોડાફોન-આઈડિયાએ કરેલા ભાવ વધારાની સાથે હવે રિલાયન્સ જીઓએ પણ પોતાના ટેરીફ પ્લાનમાં ૨૦% જેટલો ભાવ વધારો કર્યો છે. હવે સસ્તું આપવાની હોડનો અંત આવ્યો છે અને હરીફાઈમાં ઉતરીને દેવાળું ફૂંકી દેવા કરતા ભાવ વધારો કરીને બજારમાં ટકી રહેવું જોઈએ તેવી સદબુદ્ધિ સીમકાર્ડ કંપનીઓમાં આવી છે.

એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમના ટેરિફ દરો પહેલેથી જ વધારી દીધા છે. આ પછી હવે રિલાયન્સ જિયો પણ ટેરિફ વધારનારા ઓપરેટરોની યાદીમાં સામેલ થઈ ગયું છે. જો કે, રિલાયન્સ જિયોનો દાવો છે કે ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો થયા પછી પણ તેના પ્લાન અન્ય ઓપરેટર્સ કરતા સસ્તા છે.

રિલાયન્સ જિયોએ રવિવારે તેના પ્રીપેડ રિચાર્જ પ્લાનના નવા દરોની જાહેરાત કરી હતી. રિલાયન્સ જિયોએ કહ્યું કે તેના ટેરિફ દરો હજુ પણ પોસાય તેવા છે અને તે ગ્રાહકોને સૌથી ઓછી કિંમતે સારી સેવા આપી રહી છે. કંપનીએ કહ્યું કે તેના દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ રેટ ૧ ડિસેમ્બરથી લાગુ થશે.

કંપનીના નવા ટેરિફ પ્લાનની વાત કરીએ તો બેઝિક જીઓ પ્લાન જે પહેલા ૭૫ રૂપિયાનો હતો તે હવે 9૯૧ રૂપિયા થઈ ગયો છે. તેમાં ૩ જિબી ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને ૫૦ એસએમએસ મળશે, જેની વેલિડિટી ૨૮ દિવસની રહેશે. તે જ સમયે જીઓનો જે પ્લાન પહેલા ૧૨૯ રૂપિયામાં આવતો હતો તે હવે ૧૫૫ રૂપિયાનો થઈ ગયો છે. આમાં દર મહિને ૨ જિબી ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને ૩૦૦ એસએમએસ મળશે. તેની વેલિડિટી પણ ૨૮ દિવસની રહેશે.

આ સિવાય જે પ્લાન એક વર્ષ માટે ૨૩૯૯ રૂપિયામાં આવતો હતો તે હવે ૨૮૭૯ રૂપિયાનો થઈ ગયો છે. તેમાં દરરોજ ૨ જિબી ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ ૧૦૦ એસએમએસ મળશે.

વોડાફોન-આઈડિયાના ગ્રાહકોને ૯૯ રૂપિયામાં ૭૯ રૂપિયાનો પ્લાન મળશે. ૧૭૯ રૂપિયાનો ૧૪૯ પ્લાન અને ૧૪૯૮ પ્રીપેડ પ્લાન હવે ૧૭૯૯ રૂપિયામાં રિચાર્જ કરાવવો પડશે. ૨૩૯૯ રૂપિયાનો પ્લાન હવે ૨૮૯૯ રૂપિયાનો થઈ ગયો છે. ડેટા ટોપઅપની વાત કરીએ તો ૪૮ રૂપિયાનું ટોપ અપ હવે ૫૮ રૂપિયામાં મળશે. ૯૮ રૂપિયાના પ્લાનને વધારીને ૧૧૮ રૂપિયા અને ૨૫૧ રૂપિયાના ટોપઅપને ૨૯૮ રૂપિયા કરવામાં આવ્યા છે. ૩૫૧ ના પ્લાન માટે ૪૧૮ રૂપિયા સીધા જ ખર્ચવા પડશે.

એરટેલના નવા પ્રીપેડ ટેરિફ ૨૬ નવેમ્બરથી અમલમાં આવ્યા છે. ગ્રાહકોને મળતો ૭૯ રૂપિયાનો પ્લાન હવે ૨૫%ના વધારા સાથે ૯૯ રૂપિયાનો થઈ ગયો છે. હવે ૧૪૯ રૂપિયાના પ્લાન માટે ૧૭૯ રૂપિયા ચૂકવવા પડશે. ૧૪૯૮ રૂપિયાનો પ્લાન હવે ૧૭૯૯ રૂપિયામાં રિચાર્જ થશે. તે જ સમયે ૨૪૯૮ રૂપિયાનો પ્લાન હવે મોંઘો થઈ જશે અને ૨૯૯૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.