Abtak Media Google News

રેલવેની છૂકછૂક ગાડી હવે વિકાસની બુલેટ ટ્રેનની રફ્તારે દોડવા સજ્જ

અબતક – રાજકોટ
રેલવે ભૂમિ વિકાસ પરિયોજના અંતર્ગત રાજકોટમાં રેલવે કોલોની નવનિર્માણ માટે એક ખાલી પ્લોટને 99 વર્ષના ભાડા પટ્ટે ખાનગી ડેવલોપરોને આપવા માટે રેલ્વે તંત્ર દ્વારા હરરાજીની પ્રક્રિયા માટે ચક્રોગતિમાન કર્યા છે. દેશના સૌથી મોટા કાર્યક્ષેત્ર, મિલકતો અને સંશાધન ધરાવતા રેલ્વે મંત્રાલય દ્વારા રેલ્વેની જમીનોના વિકાસ માટે ખાનગી ક્ષેત્રેના દરવાજાઓ ખોલી રેલ્વેના વિકાસ માટે એક નવી દિશા ઉભી કરી છે.

રાજકોટ રેલ્વે વિભાગની સ્ટાફ કોલોનીના વિકાસ માટે રેલ્વેના ખાલી પડેલા પ્લોટને 99 વર્ષના પટ્ટે ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ 32,665.47 વર્ગ મીટરનું આ પ્લોટ એરપોર્ટથી માત્ર 2 કિલોમીટર અને રાજકોટ જંક્શન રેલ્વે સ્ટેશનથી અઢી કિલોમીટરના અંતરે આવેલ છે. જ્યાં 12 મીટર પહોળી સડકથી જામનગર-રાજકોટ હાઇવે જોડાય છે. 99 વર્ષના પટ્ટે જમીન આપવા માટે અપસેટ કિંમત 66 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ડેવલોપર માટે 1.8ની એફએસઆઇ અને કેટલાંક નિયમોનું પાલન કરવાનો રહેશે. પ્રિબીડ મિટિંગ 15 નવેમ્બરના યોજાઇ હતી. જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરણે લેન્ડ ડેવલોપર્સ તરીકે કાર્યરત પેઢીઓએ આ પ્લોટ માટે ખૂબ જ રસ દાખવ્યો હતો. હરરાજીની તા.27મી ડિસેમ્બર રાખવામાં આવી છે.

આ પરિયોજનામાં વિકાસ માટેની આ જમીન બંને તરફથી 12 મીટર પહોળા રોડથી જોડાયેલા છે. આ પ્લોટમાં 34 સ્ટાફ ક્વાર્ટર છે અને અન્ય સ્ટાફ ક્વાર્ટરના નિર્માણ માટે વધારાની જમીન ખાનગી આસામીઓને ભાડા પટ્ટે આપવામાં આવશે. કુલ 32,665 વર્ગ મીટર જમીન રેલ્વેની જમીનો વચ્ચે આવેલી છે. રેલ્વે ભૂમિ વિકાસ પ્રાધીકરણના વાઇસ ચેરમેન વૈદપ્રકાશ ડુડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં આ જમીન અંગે જણાવ્યું હતું કે રાજકોટ ગુજરાતનું મુખ્ય ઉદ્યોગીક વ્યવસાયીક કેન્દ્ર તરીકે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભાડા પટ્ટે અપાનારો આ પ્લોટ એરોડ્રામ અને રેલ્વે સ્ટેશનની સાથેસાથે રાજ્યના મુખ્ય શહેરો સાથે જોડતા રાજમાર્ગો સાથે જોડાયેલું હોવાથી તેનું મહત્વ છે. રાજકોટ પશ્ર્ચિમ રેલ્વેનું મુખ્ય જંક્શન અને ગુજરાતનું ઉદ્યોગીક કેન્દ્ર કપાસ, સુતરાઉ કાપડો, ક્રોકરી, ડીઝલ એન્જીન, પાણીના પંપનું ઉત્પાદન કરતું કેન્દ્ર છે ત્યારે રેલ્વેની આ જમીનનો વિકાસ વધુ સુવિધા વધારશે. 99 વર્ષના ભાડા પટ્ટે જે પ્લોટ આપવામાં આવી રહ્યું છે તેની નજીક રહેણાંક અને કોમર્શિયલ અને અન્ય જગ્યાઓ પણ આવેલી હોવાથી તેનો વિકાસ વધુ અસરકારક બનશે. આ પ્લોટ રેલ્વેની જમીન વચ્ચે છે અને રાજકોટ આરએમસી હસ્તક છે. રેલ્વેની જમીનોનો ખાનગી ધોરણે વિકાસ કરવાની સરકારની નીતી ફળદાયી નિવડશે. ભારતીય રેલ્વે પાસે લગભગ 43 હજાર હેક્ટર ખાલી જમીનો છે. તેમાં 84 રેલ્વે કોલોનીઓ સામેલ છે. ગુવાહાટી, સિંકદરાબાદમાં આવી રીતે 3 પ્લોટો ખાનગી ભાડા પટ્ટે આપેલા છે. રેલ્વે પાસે ભારતના સૌથી વધુ કોમર્શિયલ સંકુલો પણ ચાલી રહ્યા છે. રેલ્વે ભૂમિ વિકાસ પ્રાધીકરણ અનેક દિશામાં કામ કરી રહ્યુ છે. દિલ્હી, બિજવાસન, લખનઉ, ચારબાગ, ગૌમતીનગર, ચંડીગઢમાં આ યોજનાઓ સફળતા બાદ હવે સ્માર્ટ સિટી પરિયોજનામાં રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.