Abtak Media Google News

ટૂંક સમયમાં દેશભરમાં નેટ માટે ટાવરની જરૂર નહીં રહે, સીધું સેટેલાઇટ થ્રુ નેટ ચાલશે

સ્ટારલિંક બ્રોડબેન્ડ અને અન્ય સેવાઓ પ્રદાન કરવા આગામી જાન્યુઆરીમાં કોમર્શિયલ લાયસન્સ માટે અરજી કરશે : એપ્રિલ સુધીના કંપનીની સેવાઓ ચાલુ થઈ જાય તેવી શકયતા

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને સ્પેસએક્સના એલોન મસ્ક દેશના છેવાડા સુધી વગર દોરડે નેટ કનેક્ટિવિટી કરી ક્રાંતિ સર્જશે. ટૂંક સમયમાં હવે દેશભરમાં નેટ માટે ટાવરની જરૂર નહીં રહે, સીધું સેટેલાઇટ થ્રુ નેટ ચાલશે. મસ્ક ભારતમાં તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવા સખત પ્રયાસ કરી રહ્યા છે.  સ્ટારલિંકના ક્ધટ્રી હેડ સંજય ભાર્ગવે શુક્રવારે જણાવ્યું હતું કે સ્ટારલિંક આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં બ્રોડબેન્ડ અને અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે કોમર્શિયલ લાયસન્સ માટે અરજી કરશે.

સંજય ભાર્ગવે એક લિંકડીન પોસ્ટમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે 31મી જાન્યુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં કોમર્શિયલ લાયસન્સ માટે અરજી કરી શકાશે.  તેમણે ઉમેર્યું હતું કે કંપની એપ્રિલ સુધીમાં તેની સેવાઓ શરૂ કરી શકે છે, કંપની ડિસેમ્બર 2022 સુધીમાં ભારતમાં 200,000 સ્ટારલિંક ઉપકરણો ધરાવવાનું લક્ષ્ય ધરાવે છે.  કંપનીએ અગાઉ કહ્યું હતું કે તે આમાંથી 80 ટકા ઉપકરણો ગ્રામીણ વિસ્તારોમાં હોવાની અપેક્ષા રાખે છે.

ભૂતકાળમાં સ્ટારલિંક ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાને લઈને ઘણો ઉત્સાહ છે.  તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં પ્રી-ઓર્ડર બુકિંગનો આંકડો 5000ને પાર કરી ગયો છે. એલોન મસ્કની કંપની 2022ના અંત સુધીમાં દેશમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માંગે છે.

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એલોન મસ્કની સ્ટારલિંક કંપનીને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે હજુ સુધી લાયસન્સ આપવામાં આવ્યું નથી.  આવી સ્થિતિમાં, સરકાર દ્વારા દેશના લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આ કંપનીની સેવા માટે સબસ્ક્રિપ્શન ન ખરીદે.  આનાથી નુકસાન થઈ શકે છે.

લોકોને સરકાર તેમજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે કંપનીથી દૂર રહેવું વધુ સારું છે.  નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના લોકોએ કંપની દ્વારા કરવામાં આવી રહેલી પ્રચારની આડમાં ન આવવું જોઈએ. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને ભારત સરકારે સ્ટારલીન્ક દ્વારા યુઝરને તેની અધિકૃત વેબસાઈટ દ્વારા સબસ્ક્રિપ્શન લેવાની સુવિધા આપવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

સ્ટારલિંક પાસે 1500થી વધુ ઉપગ્રહો, હજુ સંખ્યા સતત વધશે

સ્ટારલિંક ઈન્ટરનેટ માટે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મુસાફરી કરતા ઉપગ્રહોનો ઉપયોગ કરે છે.  કંપની આ ઉપગ્રહોને તેના સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા અવકાશમાં મોકલે છે. કંપની પાસે 1500 થી વધુ ઉપગ્રહો છે. તેની સંખ્યા હજુ પણ વધવાની છે. તે મોટાભાગે માત્ર સર્વિસ ટેક્નોલોજી પર કામ કરે છે. આ ઈન્ટરનેટ માટે પહેલા યુઝરે એક ડિસ્ક ઈન્સ્ટોલ કરવી પડશે, જે મિની સેટેલાઈટમાંથી સિગ્નલ મેળવે છે.  આ ઈન્ટરનેટથી ઓનલાઈન બફરિંગ, ગેમિંગ અને વિડિયો કોલિંગની સુવિધામાં સુધારો કરી શકાય છે.

ગ્રાહકોને એક જીબીપીએસની સ્પીડ આપવાનો લક્ષ્ય

સ્ટારલિંક કહે છે કે તેને ભારતમાંથી 5,000 થી વધુ પ્રી-ઓર્ડર મળ્યા છે.  કંપની ગ્રાહક દીઠ 99 અથવા રૂ. 7,350 ચાર્જ કરી રહી છે અને બીજા તબક્કામાં 50 થી 150 મેગાબીટ પ્રતિ સેક્ધડની ડેટા સ્પીડ ઓફર કરવાનો દાવો કરે છે. એકવાર વધુ સંખ્યામાં સ્ટારલિંક ઉપગ્રહો પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે એટલે આ ઝડપ 1 જીબીપીએસ હશે.

પ્રથમ તબક્કામાં 12 જિલ્લામાં સેવા શરૂ થશે

સંજય ભાર્ગવ કહે છે કે નીતિ આયોગ દ્વારા તબક્કા-1 હેઠળ 12 મહત્વાકાંક્ષી જિલ્લાઓની ઓળખ કર્યા પછી, બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓ સાથે ચર્ચા શરૂ થશે અને અમે વિવિધ કંપનીઓ અને યુએસઓએફ (યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ)ના વ્યાજ સ્તર પર ચર્ચા કરીશું.મને આશા છે કે અમને 100 ટકા બ્રોડબેન્ડ પ્લાન મળશે જે અન્ય જિલ્લાઓ માટે મોડેલ તરીકે સેવા આપી શકે છે.

કંપની શરૂઆતથી જ ગ્રામીણ વિસ્તારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે

થોડા સમય પહેલા એક વિડિયો સંદેશમાં ભાર્ગવે કહ્યું હતું કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સ્ટારલિંકની સેવાઓને વિસ્તારવા માટે તબક્કાવાર યોજના બનાવવામાં આવી છે.  જેમાં ગ્રાહકોને હાર્ડવેર કીટ આપવામાં આવશે.  કંપની દેશમાં આવા બે લાખ ઉપકરણો સાથે સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે.  જેમાં 1.6 લાખ ગ્રામીણ વિસ્તારો માટે હશે.

જ્યાં ઓપ્ટિકલ ફાયબર પહોંચવું મુશ્કેલ છે, ત્યાં સ્ટારલિંકનું બ્રોડબેન્ડ ધૂમ મચાવશે

સ્ટારલિંક એ સેટેલાઇટ દ્વારા હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીનું નામ છે.  આ કંપની એલોન મસ્કની છે.  તે ભારતમાં પણ તેની સેવા શરૂ કરવા જઈ રહી છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત જેવા દેશોમાં જ્યાં કનેક્ટિવિટી મોટી સમસ્યા છે, ત્યાં સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા ઘણી અસરકારક સાબિત થઈ શકે છે.  સ્ટારલિંક એવા સ્થળોએ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડી શકે છે જ્યાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચવું ખૂબ મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.