Abtak Media Google News

અરજદારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવા સામાન્ય લખાણ માટે પણ ફોર્મ દીઠ રૂા.10 ઉઘરાવાતા હોવાની વ્યાપક ફરિયાદ : શાસક નેતા વિનુભાઈ ઘવાએ તાત્કાલીક અસરથી દલાલોને કચેરીની બહાર હાંકી કાઢવા આપ્યા આદેશ

કોરોનામાં મોતને ભેટેલા હતભાગીઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. આ સહાય મેળવવા માટે કોર્પોરેશનનું એમ.સી.સી. ડી.સર્ટીફીકેટની અમુક કેસમાં આવશ્યકતા રહે છે. આ સર્ટીફીકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો મહાપાલિકાની કચેરીમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન સર્ટીફીકેટ માટે ફોર્મ ભરવા કોર્પોરેશન કચેરીમાં અમુક લેભાગુઓ દ્વારા ઉઘરાણા કરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ તાત્કાલીક અસરથી કચેરીની બહાર તમામ દલાલોને હાંકી કાઢવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ મહાનગરપાલિકામાં કોરોના સહાય માટે એમ.સી.સી.ડી. સર્ટીફીકેટ મેળવવા મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો રહે છે. આરોગ્ય શાખા દ્વારા માત્ર બે ફોર્મ વ્યક્તિ દીઠ આપવામાં આવે છે પરંતુ આ ફોર્મ ભરી આપતાં દલાલો પાસે 50થી વધુ ફોર્મનો જથ્થો મળી આવે છે.

આટલું જ નહીં આ ફોર્મમાં માત્ર અરજદારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવું સામાન્ય લખાણ લખવા માટે ફોર્મ દીઠ રૂા.10ના ઉઘરાણા કરવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો ભાજપ કાર્યાલયમાં શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા સુધી પહોંચતાં તેઓએ તાત્કાલીક જન્મ મરણ વિભાગનાં અધિકારી પ્રેરિત જોષીને બોલાવી ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા કરવા તથા જરૂર પડયે સ્ટાફ રાખવા કડક સુચના આપી હતી.

સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાને પણ તેઓએ પોતાની ચેમ્બરમાં બોલાવી એવી તાકીદ કરી હતી કે કોર્પોરેશન કચેરીમાં બેસી ફોર્મ ભરવા માટે અરજદારો પાસેથી ઉઘરાણા કરતાં તમામ લેભાગુ લોકોને તાત્કાલીક અસરથી પરિસરની બહાર તગેડી મુકવા જરૂર પડે તો આ માટે વિજીલન્સ શાખાનો પણ સહારો લેવો. એટલું જ  નહીં જો કોઈ વ્યક્તિને ફોર્મ ભરતાં આવડતું ન હોય તો વધારાનો સ્ટાફ તૈનાત કરવા તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.