Abtak Media Google News

બેંકની વિવિધ ધિરાણ સ્કીમનો ગેરુપયોગ કરીને છેતરપિંડી આચરવા બદલ કંપનીના ડિરેક્ટર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ

 

અબતક, અમદાવાદ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)એ ગુજરાતના અમદાવાદ સ્થિત કંપની ઇલેક્ટ્રોથર્મ લિમિટેડ સામે કેસ નોંધ્યો છે.  એજન્સીના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, બેંક ઓફ ઈન્ડિયાને રૂ.632 કરોડની છેતરપિંડી કરવા બદલ કંપની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.  આ સાથે સીબીઆઈએ અહીં છ સ્થળોએ સર્ચ પણ કર્યું હતું.

એજન્સી દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ કંપની અને તેના ડિરેક્ટર્સ પર આરોપ છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેંક દ્વારા વિસ્તરેલી ધિરાણ સુવિધા દ્વારા એકત્ર કરાયેલા નાણાંને અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કર્યા છે.  બેંક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ, ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડના ડિરેક્ટર મુકેશ ભંવરલાલ ભંડારી, મેનેજિંગ ડિરેક્ટર્સ શૈલેષ ભંડારી અને અવિનાશ ભંડારી અને સંપૂર્ણકાલીન ડિરેક્ટર નરેન્દ્ર દલાલ અને અન્ય કેટલાક અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

સીબીઆઈએ કહ્યું છે કે, આ કંપની અને તેના લોકો પર બેંક ઓફ ઈન્ડિયાને રૂ. 631.97 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ છેતરપિંડી વર્ષ 2012 થી 2016 દરમિયાન બેંકની વિવિધ ધિરાણ સુવિધાઓનો લાભ લઈને કરાઈ હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે, બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા કંપનીના ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું છે કે, કંપની કથિત રીતે તેની પેટાકંપનીઓ અને સમાન ડિરેક્ટરો સાથેની સહયોગી કંપનીઓ દ્વારા બેંકમાંથી નાણાં ડાઇવર્ટ કરી રહી હતી.

કંપની શંકાસ્પદ ડીલરો સાથેના વ્યવહારોમાં પણ કથિત રીતે સંડોવાયેલી હતી, જેના પર સામાનની વાસ્તવિક ડિલિવરી વિના ખોટા બિલો જારી કરવાનો આરોપ હતો.  સીબીઆઈએ આ કેસમાં આરોપીઓના અમદાવાદમાં છ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. એજન્સીને આ સમયગાળા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે.  એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.