Abtak Media Google News

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાને લઈને ટોચના તબીબો સાથે યોજેલી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાંથી ડો.અતુલ પંડ્યા, ડો. તેજસ પટેલ, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહે હાજર રહી મહત્વના સૂચનો આપ્યા

દેશની તમામ એઇમ્સ, આર્મ ફોર્સ અને આઈએમએમાં મુખ્ય ડોકટરો સહિત કુલ 123 તબીબોની મિટિંગમાં ઉપસ્થિતિ

અબતક, રાજકોટ : કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાને લઈને ટોચના તબીબો સાથે બેઠક કરી છે. જેમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાની તબીબોની ટિમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી ડો.તેજસ પટેલ, ડો.અતુલ પંડ્યા, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહે હાજર રહી મહત્વના સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં દેશની તમામ એઇમ્સ, આર્મ ફોર્સ અને આઈએમએમાં મુખ્ય ડોકટરો સહિત કુલ 123 તબીબોની મિટિંગમાં ઉપસ્થિતિ રહી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મેડિકલ ઓક્સિજનના સંદર્ભમાં માળખાગત સુવિધાઓ પર નજર રાખવાની સલાહ આપી હતી. આરોગ્ય પ્રધાનની સલાહ એવા સમયે આવી છે જ્યારે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટને કારણે કોવિડ-19 સંક્રમણ કેસોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે કોવિડ-19 સમીક્ષા બેઠકને સંબોધતા માંડવીયાએ વિનંતી કરી હતી કે તેઓ સુનિશ્ચિત કરે કે “તમામ પ્રકારના ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એવી રીતે તપાસ કરવામાં આવે કે તે ચાલુ સ્થિતિમાં હોય.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુજરાત સહિત સાત રાજ્યોને મેડિકલ ઓક્સિજનનો સપ્લાય સુનિશ્ચિ કરવાનો તથા હોસ્પિટલોને તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ બેઠક ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવના આરોગ્ય મંત્રીઓ સાથે યોજાઈ હતી.

ત્યારબાદ હવે આજરોજ સવારે 11:30 વાગ્યે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ દેશના ટોચના તબીબો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના નિષ્ણાંત ડો.તેજસ પટેલ, ડો.અતુલ પંડ્યા, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહ તેમજ દેશની તમામ એઇમ્સ, આર્મ ફોર્સ અને આઈએમએમાં મુખ્ય ડોકટરો સહિત કુલ 123 તબીબો સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં સરકારી સંસ્થાનો જેવી કે આઇસીએમઆરના અધ્યક્ષ પણ જોડાયા હતા. ઉપરાંત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. તમામ તબીબો અને અધિકારીઓ સાથે કોરોનાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ તબીબો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા હતા. આ બેઠકમાં તબીબો તરફથી એવું સૂચન આપવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તબીબોની ટિમ બનાવવામાં આવે જેમાં સરકારી તથા ખાનગી તબીબો, મંત્રીઓ અને અધિકારીઓ પણ જોડાઈ અને કોરોના સામેની લડાઈમાં એક થઈને કામ કરે. આ સુચન પ્રત્યે આરોગ્ય મંત્રીએ હકારાત્મક વલણ દાખવી તેનો અમલ કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આમ તો ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તેવામાં સરકાર એલર્ટ થઈ ગઈ છે. તમામ તકેદારીના પગલાં સાથે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી દેવામાં આવી છે. ત્યારે પરિસ્થિતિની સમીક્ષા તેમજ સૂચનો લેવા માટે આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા બેઠકોનો દૌર ચલાવી રહ્યા છે.

કોરોના સામેની લડાઈને વધુ અસરકારક બનાવવા તમામ તબીબો સરકારની સાથે : ડો. અતુલ પંડ્યા

ગુજરાતના ખ્યાતનામ ડો. અતુલ પંડ્યાએ બેઠક વિશે માહિતી આપતા અબતકને જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને તબીબોએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈને વધુ અસરકારક બનાવવા તમામ તબીબો સરકારની સાથે છે. સરકાર જે ગાઈડલાઇન બનાવે તેમાં તબીબો સહમત રહેશે. ખોટો ડર ન ફેલાય તે માટે તબીબો સતત સક્રિય રહેશે. વધુમાં આજની બેઠકમાં દેશના જે ટોચના 123 તબીબો જોડાયા હતા. તે તમામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આ તબીબો એક બીજાના સંપર્કમાં રહીને કોરોના અંગેની વિગતોની આપ લે કરતા રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.