Abtak Media Google News

લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ હવે આદિવાસીઓને નહીં બનાવી શકાય તહોમતદાર

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ ના મોટા પાયે દુરુપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે અધિનિયમની વિવાદાસ્પદ જોગવાઈઓમાં સુધારો કરવા માટે વટહુકમ બહાર પાડ્યો છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (સુધારા) વટહુકમ, ૨૦૨૨ એ કાયદાની મૂળ જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે જે આદિવાસીઓના અધિકારોને અસર કરતી હતી.

૧૧ જાન્યુઆરીએ કરવામાં આવેલા સુધારા મુજબ જો અનુસૂચિત જનજાતિ અને આદિવાસીઓને આ અધિનિયમની શરૂઆતની તારીખે અનુદાન માટેની અરજીઓ પેન્ડિંગ છે.

આ નિર્ણાયક સુધારા હેઠળ હવે જો અનુસૂચિત જનજાતિ અને પરંપરાગત વનવાસીઓ અધિનિયમ હેઠળ જમીનની ફાળવણી માટે સંબંધિત સત્તામંડળ સમક્ષ આવી કોઈ દરખાસ્ત પેન્ડિંગ હોય તો લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કોઈપણ આદિવાસી વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

વટહુકમ દ્વારા અન્ય મહત્ત્વપૂર્ણ સુધારામાં સરકારે અરજી પ્રથમ દૃષ્ટિએ વ્યર્થ છે કે ઉશ્કેરણીજનક છે કે કેમ? તે નક્કી કરવા માટે વિશેષ અદાલતના રૂપમાં એક વ્યવસ્થા ઉભી કરાશે. જો કોર્ટને તેના પ્રથમ મૂલ્યાંકનમાં અરજી વ્યર્થ લાગે છે તો પ્રાથમિક તબકકે જ અરજીનો છેદ ઉડાવી દેવામાં આવશે જેથી વ્યર્થ અરજીઓનો તાત્કાલિક નિકાલ થઈ જશે.

રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિનિયમમાં સુધારા માટે હાઈકોર્ટના તમામ મુખ્ય નિર્દેશોને વટહુકમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વટહુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્પેશિયલ કોર્ટના આદેશથી નારાજ કોઈપણ વ્યક્તિ સિવિલ અથવા ફોજદારી કાર્યવાહી સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. પીડિત વ્યક્તિએ ચુકાદાના ૩૦ દિવસમાં હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવી પડશે.  જો હાઈકોર્ટ સંતુષ્ટ હોય, તો પીડિત વ્યક્તિ ચુકાદાના ૬૦ દિવસમાં અપીલ પણ દાખલ કરી શકે છે ટેવક ઉલ્લેખ વટહુકમમાં કરવામાં આવ્યો છે.

લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં ૧૦ વર્ષની નહીં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા હાઇકોર્ટનું સૂચન

ગુજરાત હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદ અનુસંધાને સુનાવણી કરતા કહ્યું છે કે, આ કાયદા હેઠળ નોંધાતા ગુન્હામાં લઘુતમ સજા ૧૦ વર્ષની તેવી જોગવાઈ કરવામાં આવી છે ત્યારે હાઇકોર્ટે આ સબંધે રાજ્ય સરકારને સૂચન કરતા કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ અડધા ગુંઠા જમીનની ખરીદી કરે છે અને પાછળથી આ ખરીદીમાં ગેરરીતિ થયાની જાણ થતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધાય તો આ પ્રકારના કેસમાં ૧૦ વર્ષની સજા ફટકારવી તે ક્યાંક અતિશયોક્તિ હોય તેવું લાગે છે.

ત્યારે લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાતી ફરિયાદમાં લઘુતમ ૧૦ વર્ષની સજાની જોગવાઈમાં ફેરફાર કરીને ૧૦ વર્ષ સુધીની સજા જેવી જોગવાઈ કરવી જોઈએ. હાઇકોર્ટના સૂચનની અમલવારી કરવામાં આવે તો પછી ઉદાહરણ રૂપે કોઈ આરોપીને ૭ વર્ષથી ઓછી સજા પડે તો તેને જામીન પણ તરત જ મળી જતા હોય છે જેથી આ કાયદાનો ભય પણ લોકોમાંથી ઓસરી જશે તેવું હાલ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.