Abtak Media Google News

જૂનાગઢના મેયર, ડે. મેયર અને ભાજપના હોદેદારો  સહિતના મુખ્યમંત્રીને  રૂબરૂ મળશે

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જુનાગઢ તા. 15 જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી શિવરાત્રીનો મેળો પૂર્ણ રીતે યોજાય તેવી લાગણી અને માગણી લાખો ભાવિકો, શ્રદ્ધાળુઓ,  સંતો, મહંતો, અન્નશ્રેત્ર, ઉતારા મંડળ, સેવાભાવી સંસ્થાઓ તથા રીક્ષા ચાલક, ડોળી મંડળ, નાનાથી લઈને મોટા વેપારીઓમાં જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ સરકાર હજુ આ બાબતે મગનું નામ મરી પાડતા નથી ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઈ છે અને  સરકાર કઈક સારો નિણર્ય કરશે તેવી આશાઓ હતી પરંતુ શિવરાત્રી મેળાને ગણતરીના દિવસો બાકી છે છતાં સરકાર દ્વારા કોઈ નિણર્ય જાહેર ના થતા અંતે આજે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરશે તેવું મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢના ભવનાથ મેળાની વિશેષતા એ છે કે, પાંચ દિવસના આ ધાર્મિક, પરંપરાગત મેળામાં ભજન, ભોજન અને ભક્તિની લહેરો છૂટે છે, સેવા તેમજ આલેખનો નાદ જગાવવામાં આવે છે, સેવાકીય કાર્યો કરતા ધાર્મિક ક્ષેત્રો, ઉતારા મંડળો દ્વારા દેશ વિદેશમાંથી આવતાં લાખો ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવતા હોય છે.

સતત પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં ગુજરાતભરના નામાંકિત ભજનીક તથા લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકારો દ્વારા ભજનની છોડો છૂટે છે. તો બીજી બાજુ દેશ-વિદેશમાંથી હજારો સાધુ – સંતો, મહંતો આ મેળામાં આવી અહીં ધૂણી ધખાવી આરાધના અને જપ, તપ કરે છે. જેનો લાખો ભાવિક દર્શનનો લાભ લે છે.

મહા વદ નોમના દિવસે ભવનાથ મેળાની ભવનાથ મહાદેવ તથા વિવિધ અખાડાઓમાં ધવજા બંધાય છે તથા શિવરાત્રીની રાત્રી એ એક ભવ્યાતિ ભવ્ય રવેડી ભવનાથ ક્ષેત્રમાં નીકળે છે જેમાં ભવનાથ ક્ષેત્રના અખાડાઓ, ભગવાન ગુરુદત્ત મહારાજ તથા ગાયત્રી માતાની પાલખી સાથે વિવિધ અખાડાના સંતો, મહંતો, પીઠાધીશ્વર, મહામંડલેશ્વર અને હજારોની સંખ્યામાં નાગાબાવાઓ જોડાયા છે. તથા આ રવેડીમાં નાગા બાવાઓ દ્વારા વિવિધ અંગ કસરતો કરવામાં આવે છે અને આ રવેડીનો લાખો લોકો દર્શન કરે છે.  ત્યારબાદ શિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ – સંતો અને નાગા બાવાઓ ભવનાથ મંદિર પાસે આવેલા મૃગી કુંડમાં શાહી સ્નાન કરે છે. કહેવાય છે કે આ સ્નાન વેળાએ ખુદ ભગવાન ભોળાનાથ અહીં પધારે છે અને શાહી સ્નાન છે.

સૌકાથી ભવનાથનો શિવરાત્રિનો મેળો યોજાઇ રહયો છે, અને આ શિવરાત્રી મેળો દેશ વિદેશમાં ભારે પ્રખ્યાત અને પ્રચલિત છે તને કારણે  છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દસેક લાખ લોકો આ મેળાની મોજ માણતા હતા, અને કોરોના કાળ પહેલા ગુજરાત સરકારે જૂનાગઢના શિવરાત્રી મેળાને મીની કુંભ મેળો તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયા મેળા પાછળ ખર્ચાયા હતા. જો કે પાછળથી સરકારી નાણાંનો દુર ઉપયોગ થયો હોવાની પણ બૂમો ઊઠી હતી અને હજુ પણ તપાસ ચાલુ છે.

ભવનાથનો આ મેળો જૂનાગઢ શહેરના પાથરણાવાળાથી લઈને જથ્થાબંધના વેપારીઓ અને રિક્ષા ચાલકથી લઈને ટ્રાવેલ્સના ધંધા કરતા વેપારીઓની સાથે નાની હોટેલોથી લઈને થ્રી સ્ટાર હોટેલ અને રિસોર્ટના માલિકો માટે કમાણીનો મેળો માનવામાં આવે છે. કારણ કે આ મેળાને કારણે જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાની આમદાની થાય છે. અને જૂનાગઢ બહારના નાના મોટા વેપારીઓ વેપલો રડી લેતા હોય છે.

પરંતુ કોરોના કાળને હિસાબે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીનો મેળો બંધ રહેવા પામ્યો હતો અને આ વખતે જ્યારે કોરોનાની લહેર તળીયે ગઇ છે ત્યારે ભવનાથમાં આ વર્ષે શિવરાત્રી મેળો થવો જ જોઈએ તેવી લાગણી અને માગણી જૂનાગઢવાસીઓમાં, સાધુ-સંતો તથા ખાસ કરીને નાના મોટા વેપારીઓમાં ઉઠવા પામી છે ત્યારે આજે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ તથા ભાજપના નેતાઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રહ્યા છે ત્યારે હવે સરકાર શું નિર્ણય લે છે તેના તરફ સૌની મીટ મંડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.