Abtak Media Google News
રશિયાએ યુક્રેન પર હુમલા કરતા ગુરૂવારે 2700થી વધુ પોઈન્ટના કડાકા બાદ સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજીનો તોખાર

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ગઈકાલે ભારતીય શેર બજારમાં મંદીની ભયાનક સુનામી ફૂંકાઈ હતી. સેન્સેકસ 2700થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો દરમિયાન આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આશ્ર્ચર્યજનક રીતે શેર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. બુલીયન બજારમાં મંદીના ઓછાયા છવાયા હતા.

ભારતીય શેર બજારમાં ગઈકાલે જોરદાર કડાકા-ભડાકા બોલી ગયા હતા. રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા બજાર પડીને પાદર થઈ ગયું હતુ 2700થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. રોકાણકારોનાં અબજોરૂપીયાનું ધોવાણ થઈ ગયું હતુ દરમિયાન આજે ભારત સહિત વિશ્ર્વભરનાં શેર બજારોમાં આશ્ર્ચર્યજનક રીતે જોરદાર બાઉન્સ રેલી જોવા મળી હતી સેન્સેકસ અને નિફટી જોરદાર ઉછાળા સાથે ખૂલ્યા હતા બેંક નિફટી અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. બુલીયન બજારમાં આજે મંદી રહી હતી સોના અને ચાંદીના ભાવ તૂટયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો મજબૂત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 1333 પોઈન્ટના ઉછાળા સાથે 55863 પોઈન્ટ પર જયારે 411પોઈન્ટના ઉછાળા સાથે 16658 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 37 પૈસાની મજબૂતી સાથે 75.28 પર રેડકરી રહ્યો છે.

સોના-ચાંદીના ભાવમાં ઉછાળા બાદ આજે કડાકો

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયુ છે. આ દરમિયાન ગુરુવારે સોનાની કિંમતમાં રેકોર્ડ ઉછાળો આવ્યો હતો. આજે શુક્રવારે સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે એમસીએક્સ પર સોનાની કિંમતમાં 1.09 ટકા અને ચાંદીની કિંમતમાં 1.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે સોનાની કિંમત 52,000 રૂપિયાને પાર થઈ શકે છે. સોનાની સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આથી જ બજાર જ્યારે અસ્થિર થાય છે ત્યારે સોનાની કિંમત વધવા લાગે છે. આજે એટલે કે શુક્રવારે  સવારે 9:45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ વાયદાનું સોનું 563 રૂપિયા એટલે કે 1.09 ટકાના ઘટાડા સાથે 50,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી 1,196 રૂપિયા એટલે કે 1.79 ટકાના ઘટાડા સાથે 65,702 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.