Abtak Media Google News

ઘોડેસવારીના પ્રેક્ટીકલ અને થીયરી સહિત ડ્રોન ફ્લાઈંગના રોડ મેપીંગ,જમીનના સર્વે, ડ્રોન પાયલોટીંગ  વિષયો પર કોર્સ ચલાવવામાં આવશે વિદ્યાર્થીઓ વિશેષ રીતે મદદરૂપ થશે: હર્ષ સંઘવી

અબતક,રાજકોટ

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામવા મેળવનાર અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)  દ્વારા વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણની સાથે  સાથે અન્ય વિષયમાં પણ પારંગત બને અને આપણી પરંપરાગત રમતો અને કૌશલ્યો પણ શિખે તે હેતુસર, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે જીટીયુ ખાતે ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગના કોર્સની શરૂઆત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ,  જીટીયુ દ્વારા ઈતિહાસ અને ભવિષ્યને સાંકળીને બન્ને કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે.

જેમાં જીટીયુના વિદ્યાર્થીઓ પણ વિશેષ રીતે મદદરૂપ થશે. વિશેષમાં તેઓએ જણાવ્યું કે , આગામી સમયમાં મોબાઈલ ટેક્નોલોજીની જેમ જ ડ્રોન ટેક્નોલોજી પણ જીવન જરૂરીયાતની ટેક્નોલોજી તરીકે પ્રસ્થાપિત થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ એન્ટીડ્રોન ખરીદેલ છે. જેની ટૂંક સમયમાં ડિલિવરી થશે. તાજેતરમાં પ્રજાસત્તાકદિને ડ્રોન શોમાં ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મને વિશ્વાસ છે કે, જીટીયુના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે ટેક્નોલોજીનો વિકાસ કરીને ડ્રોન શોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વર્તમાન સમયમાં પણ ગુજરાત પોલિસમાં ઘોડે સવારી પર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમના માટે વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જીટીયુ આ ટ્રેનિંગ શરૂ કરીને ગૃહવિભાગને પણ ભવિષ્યમાં મદદરૂપ થશે તેવી ખાતરી છે. આ પ્રસંગે જીટીયુના બીઓજી મેમ્બર ડો. નેહલભાઈ શુક્લા , શ્રી અમિતભાઈ ઠાકર અને જીટીયુના  કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ , કુલસચિવ ડો. કે. એન ખેર , એક્વેસ્ટેરીયન સ્પોર્ટ્સ એસોસીયેશનના ડાયરેક્ટર  સંજયભાઈ બારોટ અને ડ્રોન લેબના ફાઉન્ડર સીઈઓ  નિખિલ મેઠીયા ઉપસ્થિત રહ્યા હતાં.

જ્યારે ઘોડેસવારીના કોર્સમાં પ્રેક્ટિકલ સહિત તેની થીયરી  અને તેના પર રમાતી આપણી પરંપરાગત રમતો પણ શિખવાડવામાં આવશે.  ડ્રોન ફ્લાઈંગ કોર્સ  અને ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનાર જીટીયુ  બંન્ને કોર્સમાં અનુક્રમે રાજ્યની અને દેશની પ્રથમ યુનિવર્સિટી છે. કાર્યક્રમના સફળ સંચાલન માટે જીટીયુના કુલપતિ અને કુલસચિવે  સ્પોર્ટ્સ ઓફિસર ડો. આકાશ ગોહીલને  અભિનંદન પાઠવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.