Abtak Media Google News
બંધન બેંકના એટીએમમાં એન્ટ્રી કર્યા વગર રૂ.13.50 લાખ ઉપાડી ફરાર થયેલા પાંચ શખ્સોને અમદાવાદથી દબોચી લીધા: કબજો મેળવવા તજવીજ

અબતક-રાજકોટ

કોમ્પ્યુટરના ભેજબાજો દ્વારા રાજકોટની બંધન બેંકના એટીએમમાં સાયબર એટેક કરી રૂ.13.50 લાખ ઉપાડી ગયાની ફરિયાદના આધારે અમદાવાદ પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટ પોલીસે આ ભેજાબાજ ટોળકીનો કબજો મેળવવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આવેલી બંધન બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા આશિષ યોગેશભાઇ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.7મી ફેબ્રુઆરીના રોજ રાબેતા મુજબ એટીએમની રોકડ તપાસતા હતા. ત્યારે બેંકના રજિસ્ટરમાં એટીએમમાં રૂ.15,72,200ની રકમ બતાવતી હતી. જ્યારે એટીએમ મશીનની અંદર રહેલી રોકડ તપાસતા અંદર માત્ર 2,22,200ની રોકડ જ જોવા મળતા રૂ.13.50 લાખની ઘટ થઇ હતી.

જેથી એટીએમ મશીનમાં ઘટ જોવા મળતા ત્યાંના અંદર બહારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે તા.5મી ફેબ્રુઆરીના સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં એટીએમ રૂમમાં એક શંકાસ્પદ શખ્સ અંદર આવી નિરીક્ષણ કરતો હતો. બાદમાં તે શખ્સે દરવાજો બંધ કરી અંદર લગાડેલા સીસીટીવી કેમેરાનો લેન્સ નીચે કરી દેતા બાકીનું રેકોર્ડિંગ જોવા મળ્યું હતું. ત્યાર બાદ બહારના સીસીટીવી ચેક કરતા અન્ય એક શખ્સ બહારની ગતિવિધિઓ પર નજર રાખતો જોવા મળ્યો હતો. બે કલાકના સમય ગાળામાં પાંચ શંકાસ્પદ શખ્સ થોડી થોડી વાર અંદર બહાર જતા જોવા મળ્યા હતા.

આ ભેજાબાજોએ એટીએમમાંથી લાખોની રોકડની ચોરીને અંજામ આપી મશીનને કોઇ નુકસાની ન થયાનું પણ જોવા મળ્યું હતું. દરમિયાન જે સમયે ટ્રાન્ઝેક્શન થયું તેની વિગતો મેળવતા એક્સિસ બેંકના ડેબિટ કાર્ડના ધારકે સાત વખત ટ્રાન્ઝેક્શન કરી રૂ.13.50 લાખની રોકડ તફડાવી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ તપાસ કરતા બેંકની ઉપરોક્ત રોકડ તફડાવાઇ તેની એકાઉન્ટમાં કે સર્વરમાં કોઇ એન્ટ્રી થઇ ન હતી.

આમ એકાઉન્ટમાં કોઇ એન્ટ્રી ન થાય અને પૈસા વિડ્રો થાય તેવી ગોઠવણ કરી ભેજાબાજોએ રૂ.13.50 લાખની રોકડ તફડાવ્યા અંગેની સાયબર પોલીસમથકમાં અરજી આપી હતી.

જેના અનુસંધાને તપાસ કરતા આ કાવતરામાં સામેલ સંદીપસીંગ કુલદીપસીંગ, રવિ રતન સોલંકી, નિલદીપ જયંતિ સોલંકી, ગુરુદેવસિંગ રસપાલસિંગ અને અમૃતપાલસીંગ રણજિતસીંગને અમદાવાદ પોલીસે દબોચી લીધા હતા.રાજકોટ પોલીસે આ તમામ આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.