Abtak Media Google News

અબતક, રાજકોટ

બિલ્ડીંગ યુઝ પરમિશન અને ફાયર એનઓસી વગરના બાંધકામો સામે આકરી કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સૂચના અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં વાણિજ્ય હેતુના ચાર બિલ્ડીંગો સીલ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે રહેણાંક હેતુ માટેની છ મિલકતોના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

આ અંગે વધુ વિગત આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસ એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી પી.આઇ.એલ. બાદ અદાલત દ્વારા ગત 15મી ફેબ્રુઆરીએ એવો આદેશ આપ્યો હતો કે ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ પરમીશન વિનાના બાંધકામો સામે આકરી કાર્યવાહી કરવી જેને પગલે પ્રાથમિક ચકાસણી કર્યા બાદ જીપીએમસી એક્ટ-1949ની કલમ-268 મુજબ નોટિસ આપવામાં આવી હતી. દરમ્યાન આજે ચાર કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી હતી અને છ રહેણાંક હેતુ માટેની મિલકતના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. ચંપકનગર સોસાયટીમાં મનસુખભાઇ મનજીભાઇ કોરડીયા નામના આસામી દ્વારા વાણિજ્યા તથા રહેણાંક હેતુની મિલકતમાં માર્જીનમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું અને હેતુફેર પણ કરવામાં આવ્યો હતો. જે મિલકત સીલ કરવામાં આવી છે. જ્યારે નાનામવા સર્વે નં.85/1માં ટીપી સ્કિમ નં.2ના ફાઇનલ પ્લોટ નં.488માં જ્યોતિનગર મેઇન રોડ પર કિશોરીબેન મહેશભાઇ ઓઝા નામના આસામીએ રહેણાંકમાંથી હેતુફેર કરી વાણિજ્યા હેતુનું બાંધકામ ખડકી દીધું હતું. જે સીલ કરાયું છે.

જ્યારે નાનામવા ટીપી સ્કિમ નં.92માં સંજયભાઇ મનસુખભાઇ ઉમરેટીયા નામના આસામીએ વાણિજ્ય હેતુના બાંધકામમાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ ખડીક દીધું હતું. જે સીલ કરવામાં આવ્યું છે. જ્યારે પરાબજારમાં એમ.જી. રોડ પર શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટના વાણિજ્ય હેતુ માટેના બિલ્ડીંગમાં એફએસઆઇ કરતાં વધુ બાંધકામ ખડકી દેવામાં આવતા તે સીલ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રણછોડનગર શેરી નં.29, પ્લોટ નં.56 અને 57માં રહેણાંક હેતુના બાંધકામમાં ઠાકરસીભાઇ ધરમશીભાઇ પટેલ નામના આસામીએ ફ્રન્ટ માર્જીન તથા ઓટીએસમાં ગેરકાયદે બાંધકામ ખડકી દીધાનું ધ્યાનમાં આવતા નળ જોડાણ કપાત કરવામાં આવ્યું હતું. જ્યારે પારેવડી ચોકમાં સુગર મીલમાં શકિનાબેન મુર્તુજાભાઇ માંકડાએ રહેણાંક હેતુના બાંધકામમાં માર્જીન તથા પાર્કિંગમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેતા, નાનામવા ટીપી સ્કિમ નં.5ના ફાઇનલ પ્લોટ નં.3/4 પૈકીમાં ભાનુબેન મહેતા નામના આસામીએ રહેણાંક હેતુના બાંધકામમાં ફ્રન્ટ માર્જીનમાં ગેરકાયદે બાંધકામ કરતા, મનહર પ્લોટ શેરી નં.5માં ખોડુભાઇ મેરૂભાઇ વાઘેલા નામના આસામીએ રહેણાંક હેતુની મિલકતમાં માર્જીનમાં ગેરકાયદે બાંધકામ ખડકતાં, મધુરમ પાર્ક પ્લોટ નં.9માં વલ્લભભાઇ જીવરાજભાઇ તીર્થરાએ માર્જીનમાં વધારાનું બાંધકામ ખડકી દેતા અને ધોબી શેરી નં.1/2માં પ્રભુલાલ એસ.ગોહિલે રહેણાંક હેતુની મિલકતમાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ ખડકી દેતા મિલકતના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.