Abtak Media Google News

અમદાવાદ ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવનાર સુરતની ખેલાડીને ભગવાન મળ્યાનો અહેસાસ થયો

મહાકુંભ 2022 દરમિયાન ખેલ ભાવનાની સાથે સંવેદનશીલતા અને માનવતાના પણ કેટલાય કિસ્સાઓ ગુજરાતમાં જોવા અને સાંભળવા મળ્યા છે. આ જ પ્રકારનો એક કિસ્સો પાછલા દિવસોમાં અમદાવાદમાં જોવા મળ્યો જ્યાં સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લેવા માટે સુરતથી અમદાવાદ આવી રહેલી 200 મીટર દોડની ખેલાડી રિંકુ દેવાસી અને તેના પિતા જોરારામભાઈ દેવાસીને મદદ માટે પ્રોફેસર નવીન પટેલ નામે ભગવાન મળ્યાનો અહેસાસ થયો હતો.

આ વર્ષે ગુજરાતમાં ખેલ મહાકુંભ અંતર્ગત ગુજરાતના અંતરિયાળ ગામડામાંથી જુસ્સાને ઝનુન સાથે કેટલાક ખેલાડીઓ પોતાના વિસ્તારથી દુર જિલ્લાકક્ષાએ કે રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રવાસ કરતા હોય છે, આ દરમિયાન ગુજરાતની પરંપરા મુજબ સેવા અને માનવતાના કેટલાક કિસ્સાઓ ધ્યાનમાં આવી રહ્યા છે. આ માંહેનો એક કિસ્સો એટલે સુરતની સ્પેશિયલ ચાઈલ્ડ રીન્કુ જોરારામભાઈ દેવાસીનો અને જાણીતા પ્રોફેસર નવીનભાઈ પટેલ નો છે. રીન્કુ ની ખરાબ તબિયત અને અમદાવાદ શહેરથી અજાણ હોવા છતાં દીકરીના જુસ્સા અને રમત ગમત પ્રત્યેનો પ્રેમ જોઈ પિતા જોરારામભાઈ સુરત થી અમદાવાદ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો પરિચય પ્રોકેસર નવીનભાઈ પટેલ સાથે થાય છે અને મધરાત્રે અમદાવાદ પહોંચેલા પિતા જોરારામભાઈ અને દીકરી રીન્કુને આ પ્રોફેસર કોઈ જ પૂર્વ ઓળખાણ ન હોવા છતાં પોતાના ઘરે લઈ જાય છે રાત્રે તેમને નિવાસની અને વહેલી સવારે દીકરીને રાજ્યકક્ષાના ખેલ મહાકુંભના સ્પર્ધા સ્થળે પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી આપે છે.

નવીનભાઈ પટેલના અભિગમથી જે પ્રોત્સાહન દીકરીને મળે છે તે રીન્કુને નવા ઉત્સાહથી ભરી દે છે અને આ 200 મીટરની  રાજ્યકક્ષાની દોડ સ્પર્ધામાં રીન્કુ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. આ પ્રેરક કિસ્સો ગુજરાતમાં જન-જન સુધી પહોંચે અનેક લોકોને પ્રેરણા મળે તે હેતુથી અને દીકરીને જોશ અને જુસ્સાને બિરદાવવા માટે રાજ્યના ગૃહ, રમત ગમત, યુવકસેવા અને સાંસ્કૃતિક મંત્રી  હર્ષ સંઘવી સુરત ખાતે દીકરી રિંકુ દેવાસી ના ઘરે જઈ તેને પ્રોત્સાહિત કરી હતી અને જાહેરમાં રીન્કુ ના પિતાને, દીકરીને પ્રોત્સાહિત કરવા બદલ વંદન કર્યા હતા. અને બાપ દીકરી ને મદદ કરનાર અને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોફેસર નવીન પટેલને પણ શ્રી હર્ષ સંઘવીએ વંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.