Abtak Media Google News

BCGએ ખાસ બોલાવેલી બેઠકમાં લેવાયો નિર્ણય: સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ જળવાયું

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રવિવારે યોજાયેલી એકસ્ટ્રા ઓર્ડિનરી મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય રાજકોટના એડવોકેટ દિલીપ પટેલને રિકોલ કરવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા સભ્ય તરીકે સિનિયર એડવોકેટ જામનગરના મનોજભાઇ ઉનડકટની સર્વાનુમતે નિમણૂક કરાઈ છે.

રાજકોટના એડવોકેટ દિલીપ પટેલને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અઢી વર્ષના સમય માટે સભ્યપદ મળ્યું હતું. પરંતુ તેમના સભ્યપદની સમયમર્યાદા પૂરી થવા છતાં તેમને રાજીનામું આપ્યું ન હતું. બીજી તરફ એડવોકેટ દિલીપ પટેલ સામે રાજકોટના એડવોકેટ કે.સી.વ્યાસે વેલ્ફેર ફંડમાં તેમના જ લાગતા વળગતા લોકોને લાભ આપ્યો હોવાનો આક્ષેપ કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પુરાવાઓ સાથે ફરિયાદ કરી હતી. ત્યારે બીસીઆઇના સભ્ય દિલીપ પટેલ સામેના આક્ષેપ તેમજ તેમના સભ્યપદની સમય મર્યાદા પૂરી થઇ જવા છતાં રાજીનામું નહિ આપવાના વિવાદને પગલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એકસ્ટ્રા ઓર્ડિનરી મિટિંગ બોલાવી હતી.

ચેરમેન કિશોર ત્રિવેદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ એડવોકેટ દિલીપ પટેલને રિકોલ કરવાનો સર્વાનુમતે સૂર પુરાવ્યો હતો. જેને પગલે એડવોકેટ દિલીપ પટેલને રિકોલ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. જોકે આ મહત્ત્વની બેઠકમાં એડવોકેટ દિલીપ પટેલ હાજર રહ્યાં ન હતા. એડવોકેટ દિલીપ પટેલને રિકોલ કરવાનો ઠરાવ પસાર કર્યા બાદ તેમના સ્થાને જામનગરના મનોજભાઇ ઉનડકટને બીસીઆઇના સભ્ય બનાવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.