Abtak Media Google News

દર વર્ષે કેરીનું ઉત્પાદન થાય છે તેના કરતાયે આ વર્ષે 40 ટકા ઉત્પાદન ઓછું થયું: દસ કિલોના બોક્સના રૂ. 800થી 1400 બોલાયા

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેસર કેરીનો ભારે દબદબો ચાલી રહ્યો છે, છેલ્લા પાંચેક દિવસથી લગભગ એકાદ લાખ જેટલી કેરીના બોક્સનું માર્કેટિંગ યાર્ડ માં વેચાણ થયું છે. અને ફળોના રાજા એવી કેસર કેરીના 10 કિલોના એક બોક્સ ના ભાવ હાલમાં 800 થી લઈને 1400 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. પરંતુ નજીકના દિવસોમાં ચોમાસું આવતો હોય અને કેરીની આવક ઘટવાની હોય ત્યારે કેરીના રસિયાઓ સોરઠ પંથકની કેસર કેરીને હોંસે હોંસે ખરીદી રહ્યા છે અને કેસર કેરીનો રસાસ્વાદ માણી રહ્યા છે.

હવે વરસાદના દિવસો આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ભીમ અગિયારસ આવી રહી છે. એટલે સાદી ભાષામાં કહીએ તો કેરીની સીઝન પુરી થવાને આરે છે. બીજી બાજુ પહેલા વરસાદની આગાહીકારો દ્વારા આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે આંબે દાણા બેસી ગયેલા કેરીઓને વેડી, ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની કેરી જુનાગઢ યાર્ડ ખાતે લાવી રહ્યા છે. જેના કારણે છેલ્લા પાંચેક દિવસમાં એક લાખથી વધુ બોક્સનું જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાંથી વેચાણ થયું છે. આ સિવાય અન્ય વેપારી, દલાલો અને ખેડૂતો મારફતે અંદાજે પાંચ લાખ કરતા વધુ બોક્સના વેચાણ થયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના કેરીના વેપારી આદ્રેમાન ભાઈ પંજાના જણાવ્યા અનુસાર, છેલ્લા એકાદ અઠવાડિયાથી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકનું પ્રમાણ વધ્યું છે અને હવે 20 ટકા જેટલી કેરી આંબે છે, ત્યારે હવે કેરીની સીઝન પૂરી થવાના આરે છે. અને હાલમાં જે 800 થી લઈ 1400ના ભાવે કેરી વેચાઈ રહી છે તે કેરીની આવક ઘટતા મોંઘી થવા પામશે.

મોટાભાગના ખેડુતો કેરીની ગુણવતાને ઘ્યાને આપે છે: પી.એસ. ગજેરા

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી. એસ. ગજેરાએ અબ તક સાથેની ફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 19 હજાર જેટલા કેરીના બોક્સ ખેડૂતો દ્વારા વેચાણ માટે લવાયા છે. અને છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લગભગ એક લાખથી વધુ બોક્ષ વેચાયા છે. જેનો આજનો ભાવ 10 કિલોના એક બોક્સના રૂ. 800 થી 1400 સુધીના બોલાયા હતા.

યાર્ડ સેક્રેટરી ગજેરાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, હજુ એકાદ અઠવાડિયું કેરીની આવક ધૂમ રહેશે અને દિવસેને દિવસે કેરીની આવક ઘટતા કેરીના ભાવ પણ વધશે. જો કે અમુક ખેડૂતો કવોલિટી ને મહત્વ આપતા હોય. જેથી આવા ખેડૂતોની કેરી હજી માર્કેટમાં આવી નથી અને આવી સારી ગુણવત્તાવાળી કેરી જ્યારે માર્કેટમાં આવશે ત્યારે તેમના ભાવ ખૂબ જ ઊંચા જશે. જે કેરી રૂ. 1200 થી લઈને 1500 સુધીમાં વહેંચાશે.દરમિયાન ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે તા ઉતે વાવાઝોડાના કારણે અનેક આંબાઓ ધરાશાયી થઇ જવા પામ્યા છે, અને આંબામાં આવતા મોર અને કેરીના પાકને પણ આ વખતના વિચિત્ર અને અનિયમિત વાતાવરણના કારણે નુકસાન થવા પામ્યું છે. તો વંથલી પંથકમાં ઈયળનો ઉપદ્રવ વધતા વંથલી પંથકમાં અનેક ભાગોમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. અને દર વર્ષે જે ઉત્પાદન થાય છે તેના કરતા આ વર્ષે 40 ટકા જેટલું ઓછું ઉત્પાદન થયું છે, જેના કારણે ખેડૂતોને પણ ભારે આર્થિક નુકસાનની ભોગવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.