Abtak Media Google News

7 જુલાઇ સુધી પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરાશે: 22 જુલાઇએ ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર કરાશે, 1 ઓગષ્ટે પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાશે

ધોરણ-10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 16 જૂનથી કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે. એડમિશન કમિટી દ્વારા પ્રવેશ અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 12 જુલાઇના રોજ પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 22 જુલાઇના રોજ ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. 1 ઓગષ્ટના રોજ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે. આ વખતે 67 હજાર બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ડિપ્લોમા એડમિશન કમિટી દ્વારા ધો.10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમ માટેની પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી છે. ગત વર્ષે ડિપ્લોમાની 66,804 જેટલી બેઠકો હતી. જેમાં આ વખતે 1380 જેટલી બેઠકો વધી છે. ઉપરાંત બેઠકોમાં વધઘટ થવાની સંભાવનાને જોતા 67 હજાર કરતા વધુ બેઠકો માટે આ વર્ષે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રવેશ કાર્યવાહી 16 જૂનથી શરૂ થશે જેમાં સૌપ્રથમ 16 જૂનથી 7 જુલાઇ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલશે. ત્યારબાદ 15 જુલાઇના રોજ સંસ્થા પ્રમાણે ફાઇનલ બેઠકો જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડની કાર્યવાહી થયા બાદ 10 ઓગષ્ટના રોજ ખાલી બેઠકોની યાદી જાહેર કરાશે. ત્યારબાદ બીજા રાઉન્ડ માટે કાર્યવાહી 10 ઓગષ્ટના શરૂ થશે. જેમાં 10 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી ચોઇસ ફિલીંગ કરી શકાશે. 20 ઓગષ્ટના રોજ બીજી પ્રવેશ યાદી જાહેર કરાશે અને 20 ઓગષ્ટથી 25 ઓગષ્ટ દરમિયાન પ્રવેશ ક્ધફર્મ કરાવવાના રહેશે. ત્યારબાદ 29 ઓગષ્ટના રોજ બીજા રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે અને આ વખતે રજીસ્ટ્રેશન વધુ સંખ્યામાં થાય તેવી શક્યતા છે.

2021માં 25 હજાર કરતા વધુ બેઠકો ખાલી પડી હતી
ધોરણ-10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમ દર વર્ષે મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડે છે. ગત વર્ષે એટલે કે 2021માં 25 હજાર કરતા વધુ બેઠકો ખાલી પડી હતી. 2021માં કુલ 66,804 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 41,160 પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો અને 25,664 બેઠકો ખાલી પડી હતી.

1380 બેઠકો સાથે ચાર નવા અભ્યાસક્રમો શરૂ થશે
રાજ્યની સરકારી પોલીટેકનિકો ખાતે નવા શૈક્ષણિક વર્ષથી નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. આવા કુલ ચાર અભ્યાસક્રમોમાં 1380 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમો પર નજર કરીએ તો ઓટોમેશન એન્ડ રોબોટીક્સની 180 બેઠકો, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની 600 બેઠક, મિકેનિકલ એન્જીનીયરીંગની 420 બેઠકો અને રીન્યુએબલ એનર્જીની 180 બેઠકો મળી કુલ 1380 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.