Abtak Media Google News
  • કુરિયર સર્વિસના ડીલીવરીમેનની ઓળખ આપી મકાન બહાર બોલાવી ઇક્કો કારમાં ત્રણ શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યાની કબુલાત: બે શખ્સોની શોધખોળ
  • રાજકોટના બે શખ્સોના ઇશારે રાધનપુર અને સુરેન્દ્રનગરના શખ્સોએ રૂા.80 લાખ પડાવવા અપહરણનો પ્રયાસ કર્યો
  • તરૂણના મોબાઇલમાં આવેલા નંબર અને સીસીટીવી ફુટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

શહેરના નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં ગઇકાલ રાતે તબીબ દંપત્તીના એકના એક પુત્રનું ઇક્કો કારમાં અપહરણનો પ્રયાસ થયાનો ગુનો પોલીસમાં નોંધાતા મોબાઇલ નંબર અને સીસીટીવી ફુટેજની મદદથી અપહરણકારનું પગેરૂ દબાવી સુરેન્દ્રનગર અને રાધનપુરના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન રાજકોટના બે શખ્સોના ઇશારે તબીબ દંપત્તીના પુત્રનું અપહરણ કરી રૂા.80 લાખની ખંડણી પડાવવાનો ઇરાદો હોવાની કબુલાત આપતા પોલીસે રાજકોટના એક શખ્સોને ઝડપી અન્ય એક શખ્સની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટી શેરી નંબર 1માં રહેતા રોહિત જીજ્ઞેશભાઇ ખંઘેડીયા નામના 16 વર્ષના લોહાણા તરૂણનું ગતરાતે સવા દસેક વાગે ઇક્કો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં રોહિતના મકાન નજીક આવી મોબાઇલમાં વાત કરી પોતે બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસમાંથી બોલુ છુ અને તમારૂ કુરિયર આવ્યું છે. પોતે તેના મકાન પાસે ઉભા હોવાનું જણાવ્યું હતું.

મોબાઇલમાં વાત કરી રોહિત કુરિયર લેવા માટે મકાનની નીચે ગયો ત્યારે તેના મકાન પાસે ઇક્કો કાર ઉભી હતી. તેમાંથી બે શખ્સો નીચે ઉતરી બળજબરીથી રોહિત ખંઘેડીયાને કારમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો. અને એક શખ્સે કાર ચાલુ રાખી હતી. રોહિત ખંઘેડીયાએ તે દરમિયાન રોહિતે બુમાબુમ કરતા આજુબાજુના રહીશો એકઠા થઇ જતા ત્રણેય શખ્સો ઇક્કો કાર લઇ ભાગી ગયા હતા.

રૈયા ગામ પાસે પ્રીમયર સ્કૂલમાં ધોરણ 11માં સાયન્સમાં અભ્યાસ કરતા રોહિત ખંઘેડીયાના અપહરણના થયેલા પ્રયાસ અંગે ગાંધીગ્રામ પોલીસમાં જાણ થતા પી.આઇ. હડીયા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળા, પી.એસ.આઇ. જે.જી.રાણા અને એએસઆઇ ખોડુભા જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ઇક્કો કારના સીસીટીવી ફુટેજ મળી આવતા પગેરૂ દબાવ્યું છે. બીજી તરફ રોહિતના મોબાઇલમાં આવેલા નંબરના આધારે ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

ત્રણેય અપહરણકાર નંબર પ્લેટ વિનાની ઇક્કો કાર લઇ નિર્મલા રોડ થઇ ભાગ્યાનું જણાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી કાર કંઇ તરફ પહોચી તે અંગે પોલીસ દ્વારા પગેરૂ દબાવતા સુરેન્દ્રનગર અને રાધનપુરના શખ્સોની સંડોવણી બહાર આવતા ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગ દર્શન હેઠળ એસીપી ડી.વી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા, પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફે દબોચી લીધા હતા. ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન રાજકોટના બે શખ્સોના ઇશારે અપહરણ કરી રૂા.80 લાખની ખંડણી પડાવવાનો ઇરાદો હોવાની કબુલાત આપતા રાજકોટના શખ્સની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.