Abtak Media Google News

રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્વતંત્ર પ્રોસિક્યુશન ડિરેકટોરેટ અને ફોરેન્સિક સાયન્સના નિર્દેશાલયની સ્થાપના થઇ રહી છે: ગૃહમંત્રી

ભારતીય ન્યાયપ્રણાલી ’99 દોષીતો છૂટી જાય પણ એક નિર્દોષ ન દંડાય’ તે ધરી પર કાર્યરત છે ત્યારે હવે ખરા અર્થમાં દોષિત હોય પરંતુ પુરાવાના અભાવે છૂટી જતો હોય તેવા બનાવો અટકાવવા સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન તેમજ ફોરેન્સિક સાયન્સનો તપાસ દરમિયાન વધુમાં વધુ ઉપયોગ કરી પુરાવા એકત્રિત કરી 90% દોષીતોને સજા થાય તે તરફ આગળ વધવા સરકાર સતત આગળ વધી રહી છે તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કેવડીયામાં ગૃહ મંત્રાલય સંસદીય સલાહકાર સમિતિની ’કોર્ટીક્યુલર સાયન્સ કેપેબિલિટીઝ: સ્ટ્રેન્થનિંગ ફોર ટાઈમ બાઉન્ડ એન્ડ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન’ વિષય પર બેઠક યોજાઇ હતી. બેઠકમાં દેશમાં ઉપલબ્ધ ફોરેન્સિક વિજ્ઞાનની બૃહદ સમીક્ષા કરવામાં આવી હતી અને નવા આયોજનો અંગે ચર્ચા કરાઇ હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય 90 ટકા સુધીનો કન્વિક્સન રેટ હાંસલ કરવા પ્રતિબંધ છે અને આ લક્ષ્ય હાંસલ કરવાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તપાસ એજન્સીઓને ગુનેગારોથી એક ડગલું આગળ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કકેન્દ્રની મોદી સરકાર પોલીસ તપાસ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક ક્ષેત્રે સુધારા માટે ત્રિ પાંખીય અભિગમ પર રાજ્ય સરકારો સાથે કામ કરી રહી છે તેનો ઉલ્લેખ ગૃહમંત્રીએ કરતા કહ્યું હતું કે લક્ષ્યાંકિત દોષિત ઠરાવવાનો દર હાંસલ કરવા ટેકનોલોજી આધારિત અને પુરાવા આધારિત તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે.

ગૃહમંત્રીએ ભારતીય દંડ સહિતા, ફોજદારી કાર્યવાહીની સહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનો સૂચિત વ્યાપક સુધારાઓ દ્વારા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક સ્વતંત્ર પ્રોસીક્યુશન ડિરેક્ટરેટ અને ફોરેન્સિક સાયન્સના એક સ્વતંત્ર નિર્દેશાલયની સ્થાપના થઈ રહી છે તેમ જણાવ્યું હતું. મોદી સરકાર છ વર્ષથી વધુ કેદની સજાને પાત્ર અપરાધોના તમામ કેસોમાં ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે તેમ શાહે ઉમેર્યું હતું.

આ બેઠકમાં સમિતિના બન્ને ગૃહોના સભ્યો, ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય, અજયકુમાર મિશ્રા, નિશિત પ્રામાણિક અને કેન્દ્રીય ગૃહ સચિવ તેમજ ગૃહ મંત્રાલય, એનસીઆરબી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને ફોરેન્સિક તપાસ પર ફોજદારી ન્યાય પ્રણાલીની વધતી નિર્ભરતાને ધ્યાનમાં રાખીને દેશમાં ઉપલબ્ધ ફોરેન્સિક વિજ્ઞાનની સમીક્ષા કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.