મોરબી: જિલ્લા પોલીસની આવારા તત્વો સામે લાલઆંખ

22 ટપોરી વિરૂધ્ધ અટકાયતી પગલા: આડેધડ પાર્કિંગ અને ધુમ સ્ટાઈલ બાઈક મળી 133 વાહન ચાલકોને દંડ ફટકાર્યો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ યોજવામાં આવે છે અને જ્યાં પણ આવારા તત્વો દેખાય તેની અટકાયત કરી તેમને યોગ્ય નસીયત આપવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી એમ.આઈ.પઠાણ ,એસઓજી પીઆઇ જે એમ આલ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ વિરલ પટેલ, બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવડીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના વિશિપરા મેઈન રોડ અને આંતરિક વિસ્તારો માં ફૂટ પેટ્રોલીંગ કરી 22 જેટલા ટપોરીઓને ઝડપી લઈ અટકાયતી પગલા લઈને ચેતવણી આપવામાં આવી હતી અને આડેધડ પાર્કિંગ કરતા અને ધૂમ સ્ટાઈલમાં બાઇક મોડીફાઇડ કરાવી સીન જમાવતા 133 જેટલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તથા નમ્બર પ્લેટ વગરના અને નિયમોને નેવે મૂકી માલ હેરાફેરી કરતા ડમ્પર ચાલકો સહિત 14 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચોર, ટપોરીઓને ’કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે’ના સૂત્ર સાથે ચેતવણી આપવામાં આવી હતી.