Abtak Media Google News

વોર્ડ નં.11માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બગીચો બનાવી પાંચ વર્ષ સુધી જાળવણીનું કામ ઓર્બિટ બેરિંગને સોંપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: પાંચ વર્ષે 11 લાખની આવક

રાજકોટ મહાનગરપાલિકા પાસે પોતિકી આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા છે. આવામાં શાસકોએ હવે શહેરના વિકાસ સાથે કોર્પોરેશનની આવક વધે તેવા પ્રયાસો પણ શરૂ કર્યા છે. બગીચા બનાવવા માટે પણ જનભાગીદારી શરૂ કરવામાં આવી છે. જેના થકી તંત્રને વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક થશે. શહેરના વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વિશાળ બગીચો બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. બગીચો બનાવવાનો ખર્ચ તો કંપની દ્વારા ઉઠાવવામાં આવશે. પરંતુ સાથોસાથ મહાપાલિકાને પ્રિમિયર પેટે પણ આવક થશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે મહાપાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારોમાં સમયાંતરે નવી ફાઇનલ થતી ટીપી સ્કિમમાં બગીચા હેતુ માટેના પ્લોટ અનામત રાખવામાં આવે છે. જેમાં લોક સુખાકારી માટે કોર્પોરેશન દ્વારા બગીચાઓ, સિનિયર સીટીઝન પાર્ક અને બાલક્રિડાંગણ બનાવવામાં આવે છે. શહેરમાં હવે મોટા પ્રમાણમાં કોર્પોરેટ કંપનીઓ, મોટી હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, બેંકર્સ, હોટલ્સ અને એજ્યુકેસનાલીસ્ટ અને મોટા ગજાના ઔદ્યોગીક એકમો કાર્યરત છે. જે શહેરના વિકાસમાં સહભાગી બને તે માટે કોર્પોરેશન દ્વારા જનભાગીદારીથી બગીચા બનાવવાનું નિર્ણય લેવામાં આવ્યું છે. શહેરના વોર્ડ નં.11માં મવડી ટીપી સ્કિમ નં.28ના ફાઇનલ પ્લોટ નં.5-એના 3,114 ચો.મી. વિસ્તારમાં બગીચો બનાવી અને તેની પાંચ વર્ષની જાળવણી કરવા માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં પીપી ડેવલપર્સ, વિક્ટોરિયા ગાર્ડન અને ઓર્બિટ બેરિંગ પ્રાઇવેટ લીમેટેડે ઓફર આપી હતી. પાંચ સૌથી ઉંચા ભાવ આપવાની ઓફર ઓર્બિટ બેરિંગ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આપવામાં આવી છે. તેઓને આ બગીચો બનાવવાનો અને પાંચ વર્ષ માટે ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ આપવાથી મહાપાલિકાને પાંચ વર્ષમાં 11 લાખ જેવી માતબર આવક થશે. શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા બગીચાઓ જનભાગીદારીથી ડેવલપ કરવા માટે આપવા અંગે આગામી દિવસોમાં વધુ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

પબ્લીક ટોયલેટ પણ બન્યાં કમાણીના સાધનો

કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલા પબ્લીક ટોયલેટ પણ કમાણીના સાધનો બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાંચ પબ્લીક ટોયલેટ 10 વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેઇન્ટેન્શન માટે આપવામાં આવશે. જેના થકી માસિક રૂ.26,575 પ્રતિ ટોયલેટ આવક થશે. શહેરના રેસકોર્ષ વિસ્તારમાં ગેલેક્સી ટોકીઝ સામે, ઇન્કમટેક્સ ઓફિસની સામે, જ્યુબિલી ગાર્ડન સામે, તાર ઓફિસની સામે, કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી અને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલા પબ્લીક ટોયલેટને 10 વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મુસ્કાન ફાઉન્ડેશનને આપવામાં આવશે. જેના થકી કોર્પોરેશનને દર મહિને રૂ.26,575ની આવક થશે.

કાલે સ્ટેન્ડિંગમાં લેવાશે અલગ-અલગ બાવન દરખાસ્તો અંગે નિર્ણય

આવતીકાલે કોર્પોરેશનમાં ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 52 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.4માં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા, વોર્ડ નં.18માં પાણી વિતરણ માટે ડીઆઇ પાઇપલાઇન નાંખવા, કોર્પોરેશન હસ્તકના સ્મશાનના સંચાલનનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.5માં નવા ડેવલપ થઇ રહેલા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાંખવા, કોર્પોરેશનના પુસ્તકાલયો માટે નવા પુસ્તકો, રમકડાં, પઝલ્સ અને લાયબ્રેરી મેનેજમેન્ટનો સોફ્ટવેર ખરીદવા અને ચોમાસાની સિઝનમાં જે વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાય તે ત્યાં બોર ડ્રીલીંગ કરવા સહિતની 52 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

જામનગર રોડથી નવા કોર્ટ બિલ્ડીંગને જોડતો રસ્તો સિમેન્ટનો બનાવાશે

શહેરના વોર્ડ નં.1માં સમાવિષ્ટ થતા ઘંટેશ્ર્વર વિસ્તારમાં એક એફસીઆઇ ગોડાઉન રોડ પર જામનગર રોડથી નવા કોર્ટ બિલ્ડીંગ વચ્ચેનો 60 રનિંગ મીટરનો રોડ સીસી રોડ બનાવવા માટે રૂ.29.44 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. નવું કોર્ટ બિલ્ડીંગ કાર્યરત થાય તે પહેલા જ આ રોડ સિમેન્ટનો બનાવી દેવામાં આવશે. 60 રનિંગ મીટરના રોડને સિમેન્ટ ક્રોકિટનો બનાવવા માટે રૂ.21.65 લાખનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. જેમાં બે એજન્સીએ ઓફર આપી હતી. આ કામ શ્રીરાજ ચામુંડા ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા 39.15 ટકા ઓન સાથે રૂ.29.44 કરોડમાં કરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાશે.

વોર્ડ નં.4માં વેલનાથપરામાં રૂ.4 કરોડના ખર્ચે બ્રિજ બનશે

શહેરના વોર્ડ નં.4માં વેલનાથપરા વિસ્તારમાં 24 મીટરના ટીપીના રોડ પર રૂ.3.95 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. ખર્ચ મંજૂરી અંગે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ કામ માટે રૂ.3.40 કરોડનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. ટેન્ડર દરમિયાન બે એજન્સીએ ઓફર આપી હતી. જેમાં પવન ક્ધસ્ટ્રક્શન કંપનીએ આ કામ 18.81 ટકા વધુ સાથે રૂ.3.95 કરોડમાં કરી આપવાની ઓફર આપી છે. જેને બહાલી આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.