Abtak Media Google News

મહારાષ્ટ્રમાં નવી સરકારની સંભવત: શનિવારે શપથવીધી શિંદે જૂથના એક ડઝન ધારાસભ્યોને મળશે મંત્રી મંડળમાં સ્થાન

મહારાષ્ટ્રમાં 31 મહિના બાદ ફરી એકવાર હિન્દુવાદી સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી પદેથી ઉધ્ધવે રાજીનામું આપી દેતા મહાવિકાસ અઘાડી સરકારનું પતન થઈ ગયું છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનો તાજ ભાજપ દેવેન્દ્ર ફડણવીસના શીરે મૂકશે જયારે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે નવી સરકારની શપથ વીધી આગામી શનિવારે શુભવિજય મૂહૂર્ત યોજાઈ તેવી સંભાવના હાલ જણાય રહી છે. શિંદે જૂથના એકાદ ડઝન ધારાસભ્યોને નવામંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. જયારેએકથી બે અપક્ષ ધારાસભ્યનો પણ ફડણવીસ સરકારમાં સમાવેશ કરવામાં આવશે. એકનાથ શિંદે સહિત શિવસેનાના 39 ધારાસભ્યો અને 12 જેટલા અપક્ષ ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડી સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લેતા ઉધ્ધવ સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી. આજે વિધાનસભામાં ફલોર ટેસ્ટ થાય તે પૂર્વે જ ઉધ્ધવ ઠાકરેએ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ગઈકાલે મોડીરાતે રાજીનામું ધરી દીધું હતુ. પરિણામે રાજયપાલ દ્વારા આજે ફલોર ટેસ્ટ રદ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ભાજપે મહારાષ્ટ્રમાં ફરી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે બપોરે મળેલી મહારાષ્ટ્ર ભાજપની કોર કમીટીની બેઠકમાં સરકારની બ્લ્યુ પ્રીન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે તે ફાઈનલ મનાય રહ્યું છે. જયારે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે તે નિશ્ર્ચિત છે.સરકારમાં પાવર શેરીંગ અંગે ચર્ચા થઈ ગઈ છે. અને કયાં ધારાસભ્યને મંત્રી બનાવવા અને કર્યું મંત્રાલય ફાળવવું તેપણ ફાઈનલ થઈ ગયું છે.

આજે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજયપાલ ભગતસિંહ કોશિયારી સમક્ષ દાવો રજૂ કરી શકે છે. એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો આજે મહારાષ્ટ્રમાં પરત ફરશે આગામી શનિવારે શુભ મુહૂર્ત મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે તેવું ચર્ચાય રહ્યું છે. તેઓની સાથે એકનાથશિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે અને અન્ય 40 ધારાસભ્યો કેબીનેટ અને રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે.

ઉદ્વવ ઠાકરેએ સીએમની ખુરશી સાથે વિધાન પરિષદનું સભ્ય પદ પણ ત્યાગ્યું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પાર્ટી લઘુમતીમાં મૂકાયા બાદ સુપ્રીમ કોર્ટ પણ ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપતા ઉદ્વવ ઠાકરેએ ગઇકાલે મોડી રાતે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સુપરત કર્યો હતો. 31 મહિના સુધી મહારાષ્ટ્રના સિંહાસન પર રહેનારા ઉદ્વવ હવે એક સામાન્ય સભ્ય પણ રહેવા માંગતા ન હોય તેમ તેઓએ ગઇકાલે જ સીએમ પદની સાથે જ વિધાનસભા પરિષદના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્વવ ઠાકરે ધારાસભ્ય ન હતા. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. તેઓએ સીએમ પદની સાથે પરિષદનું સભ્ય પદ પણ છોડી દીધું છે.

ઉદ્વવે રાજીનામુ ધરી દેતા ફ્લોર ટેસ્ટ રદ્ કરતા રાજ્યપાલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્વવ ઠાકરેએ ગઇકાલે મોડી રાતે રાજીનામુ આપી દેતા આજે યોજાનારો ફ્લોર ટેસ્ટ રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી દ્વારા રદ કરવામાં આવ્યો છે. મહાવિકાસ અઘાડી સરકાર લઘુમતીમાં મૂકાય જતા રાજ્યપાલે ગુરૂવારે ઉદ્વવ ઠાકરેને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા આદેશ આપ્યો હતો. જેની સામે શિવસેનાએ સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ પણ ફ્લોર ટેસ્ટનો રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. બહુમત હાંસલ કરવો મુશ્કેલ જણાતા ઉદ્વવે ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દેતા હવે ફ્લોર ટેસ્ટની કોઇ જરૂરિયાત રહી ન હોય રાજ્યપાલ દ્વારા આજે સવારે ફ્લોર ટેસ્ટ રદ્ કરવાની ઘોષણા કરી હતી.

 ભાજપની કોર કમિટીની બેઠકમાં સરકાર બનાવવા ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્વવ ઠાકરેએ ગઇકાલે મોડી રાતે રાજીનામુ ધરી દેતા હવે ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બને તે ફાઇનલ મનાય રહ્યું છે. સૌથી મોટા પક્ષ હોવાના નાતે રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવશે. દરમિયાન ભાજપે ગઇકાલ રાતથી સરકાર રચવા માટેની પ્રક્રિયા વધુ તેજ બનાવી દીધી છે. મહારાષ્ટ્રના ભાજપના રાષ્ટ્રીય પ્રભારી સી.ટી. રવિ મુંબઇ આવી પહોંચ્યા છે. દરમિયાન આજે સવારે 11 કલાકે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપની કોર કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં શપથ વિધીનો સમય, આમંત્રીતોની સંખ્યા, મંત્રી મંડળમાં કોનો-કોનો સમાવેશ કરવો સહિતના મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આજે રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી સમક્ષ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે દાવેદારી રજૂ કરી શકે છે.

ફડણવીસ અને શિંદે વચ્ચે વાતચિત

શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારથી ભારોભાર નારાજ હોય ગત 21મી જૂનથી મહારાષ્ટ્ર છોડી દીધું હતું. ગઇકાલે મુખ્યમંત્રી પદે થી ઉદ્વવ ઠાકરેએ રાજીનામુ ધરી દેતા હવે મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેના સહયોગથી સરકાર બનાવે તે ફાઇનલ થઇ ગયું છે. દરમિયાન આજે સવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે લાંબી વાતચિત થઇ હતી. ત્યારબાદ શિંદેએ પોતાના જૂથમાં સામેલ તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. શિંદે જૂથના 12 થી 13 ધારાસભ્યોને નવી સરકારમાં સ્થાન મળે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે તે નિશ્ર્ચિત છે.

ઉદ્વવે મુખ્યમંત્રી પદ છોડ્યુ પણ એનસીપીનો સાથ કેમ ન મૂકયો?

એકનાથ શિંદે સહિતના શિવસેનાના 39 ધારાસભ્યોને સેના કે ઉદ્વવ ઠાકરે સામે કોઇ જ પ્રકારનો વાંધો ન હતો. તેઓ પ્રથમ દિવસથી એવું કહી રહ્યા છે કે જો ઉદ્વવ એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે ગઠબંધન કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવે તો અમને કોઇ જ વાંધો નથી છતા ઉદ્વવ એકના બે ન થયા. ઉદ્વવે મુખ્યમંત્રી પદ છોડ્યુ પરંતુ શા માટે એનસીપી અને કોંગ્રેસનો સાથ ન છોડ્યો તે પણ જવાબ માંગી લેતો મોટો સવાલ છે. એનસીપી સાથે એવો તો પ્રેમ છે કે સત્તા છોડવા તૈયાર થઇ ગયા પણ શરદ પવારનો સાથ ન છોડ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.