Abtak Media Google News
  • સુપ્રીમમાં પહોંચેલો મામલો પૂરો થાય પછી મંત્રીમંડળની રચના થવાની શકયતા
  • શિંદે મહારાષ્ટ્રના લાંબી ઇનિંગ રમવાના હોવાથી મંત્રીઓની પસંદગીમાં ઉતાવળ કરવી અયોગ્ય

એકનાથ શિંદે મહારાષ્ટ્રના નાથ બન્યા બાદ હવે તેઓ મિનિસ્ટ્રીનો ગંજીપો નિરાંતે ચીપવાના છે. એક શકયતા મુજબ તેઓ પહેલા સુપ્રીમમાં પહોંચેલો મામલો પૂરો થવા દેશે બાદમાં મંત્રી મંડળની રચના કરશે.

મહારાષ્ટ્રમાં છેલ્લા પખવાડિયામાં રાજકીય ઉથલ પાથલનો ઉલ્લેખ કરતા, નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે તેમને થોડો સમય જોઈએ છે જે પછી તેઓ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટ પોર્ટફોલિયોની ફાળવણી અંગે ચર્ચા કરશે.

શિંદેના નેતૃત્વવાળી સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી.  શિંદેએ બાદમાં પત્રકારોને કહ્યું, “હવે અમને નિરાંતનો શ્વાસ લેવા દયો. અગાઉનો સમય અમારા માટે ખૂબ જ કપરો હતો.  હું અને દેવેન્દ્ર ફડણવીસ નિરાંતે બેસીને કેબિનેટના પોર્ટફોલિયો અને તેમની ફાળવણી અંગે ચર્ચા કરીશું.  અમે આ માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની સંમતિ પણ લઈશું.”

શિંદેએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ઉથલપાથલમાંથી પસાર થયા છીએ અને હવે અમારે પરિવાર સાથે વિતાવવા માટે થોડો સમય જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેને અચાનક સીએમ પદ છોડી દેવું પડ્યું છે. તેમની જગ્યાએ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ ઉપર બિરાજમાન થયા છે. સાથે ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવિસ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. શિંદેએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ મંત્રીમંડળની રચના નિરાંતે કરશે. મતલબ કે તેમાં કોઈ ઉતાવળીયા નિર્ણયને સ્થાન નથી. શિંદે હવે મહારાષ્ટ્રમાં લાંબી ઇનિંગ રમવા જઇ રહ્યા છે. માટે તેઓએ મંત્રી મંડળમાં કોને સ્થાન આપવું તે નિર્ણય સમજી વિચારીને લેવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.