Abtak Media Google News

ભારત અનેક સંસ્કૃતિઓનો સુભગ સમન્વય સાધતો દેશ છે.ગુજરાત એક ભારતનું એવું રાજ્ય છે જ્યાં એતિહાસિક સ્મારકો ઓછા અને મંદિરો વધારે છે.આ દર્શાવે છે ગુજરાતની ધર્મપરાયણતા.ગુજરાતની પ્રજા ખરેખર સંસ્કૃતિની અને દેવી દેવતાઓને માને છે.ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિ જ લોકો ને મંદિર તરફ દોરી જાય છે. ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આજે આપણે આવી જ એક સુંદર જગ્યાની વાત કરીશું. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં, અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું.

જૂન અને જુલાઇ મહિનામાં, મહાસાગર પોતે શિવલિંગનું અભિષેક કરે છે, અને કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. મંદિરનો સૌથી પ્રસિદ્ધ તહેવાર મહા શિવરાત્રી છે, શિવરાત્રીના દિવસે મંદિરની આસપાસ એક ભવ્ય મેળો યોજવામાં આવે છે. દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ બે કિ.મિ. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ લિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સમુદ્રની ખારાશ શિવલિંગને કોઈ અસર કરી શક્યું નથી.

ભક્તોનું માનીએ તો, ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાલ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ શિવાલય સમુદ્રના જળથી ઘેરાયેલું હોવાથી શિવલીંગના દર્શનાર્થે જવું મુશ્કેલ છે. કારણ કે દરરોજ સમુદ્રમાં થતા ભરતી-ઓટના નિયમ અનુસાર યોગ્ય સમયે આ શિવાલયમાં દર્શન માટે જઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.