Abtak Media Google News

બપોરે 12 કલાકે જામનગર એરપોર્ટ પર આગમન ત્યાંથી હેલીકોપ્ટરમાં દ્વારકા પહોંચશે: દ્વારકાધીશની પ્રદક્ષિણા, ધ્વજારોહણ, પાદુકા પુજન સહિતના કાર્યક્રમો: ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધશે

અબતક-રાજકોટ

દ્વારકાધીશના સાંનિધ્યમાં આજે સવારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો દ્વારકામાં શુભારંભ થયો હતો. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓનું બપોર આગમન થશે. જગત મંદિર ખાતે રાહુલ ગાંધી ભગવાન દ્વારકાધીશની પુજા-અર્ચના કરશે અને ધ્વજા રોહણ તથા પાદુકા પૂજન પણ કરશે ત્યારબાદ ચિંતન શિબિરમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધશે.

Img 20220225 Wa0102ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા દ્વારકા ખાતે આજથી ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, અમિતભાઇ ચાવડા, સિધ્ધાર્થભાઇ પટેલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભગવાન દ્વારકાધીશની બાવન ગજની ધ્વજાનું પુજન કર્યું હતું. આ ધ્વજા સાથે જગત મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી. દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ.

આવતીકાલે ચિંતન શિબિરના બીજા દિવસે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપશે બપોરે 12 કલાકે રાહુલ ગાંધીનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફત દ્વારકા જશે. દ્વારકા હેલીપેડથી બાય રોડ દ્વારકાધીશ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવશે. ધ્વજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરશે. આદી શંકરાચાર્યની પાદુકાનું પૂજન કરશે. ત્યારબાદ તેઓ ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં સત્તાથી વંચિત કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં 125 બેઠકો જીતવા માટેનો રોડમેપ કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરમાં તૈયાર કરવામાં આવશે. રાહુલ ગાંધીના દ્વારકા પ્રવાસના ઇન્ચાર્જ રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.