Abtak Media Google News
  • મધ્ય ગુજરાત સિવાય સાર્વત્રિક વરસાદ
  • થોડા જ વરસાદમાં ડેમો છલકાઇ જાય છે ત્યારે પાણીના સંગ્રહનું આગોતરૂં આયોજન ક્યારે?: આકાશમાંથી વરસતા કાચા સોનાનું સંગ્રહ કરવું ખૂબ જરૂરી નહિં તો ઉનાળું આંબતા જ પાણીનો પોકાર શરૂ થઇ જશે!

ભારત એક માત્ર એવો દેશ છે કે જ્યાં ત્રણ ઋતુઓનું અસ્તિત્વ છે. ચોમાસાના ચાર મહિનામાં પડેલા વરસાદથી જ ધરતીમાં પાણીનો સંગ્રહ થાય છે અને એ જ પાણી આપણને આખુ વર્ષ કામ આવે છે. બેસૂમાર વરસાદ પડ્યા પછી પણ આપણે ઉનાળો આવતા સુધીમાં પાણીકાપ શરૂ થઇ જાય છે ત્યારે રાજ્યમાં પ્રથમ વરસાદે નદી, નાળા, ડેમ છલકાઇ જાય છે પણ પાણી-પાણી ક્યારે? કેમ કે દિવાળી પછી તો પાણીની પોકાર શરૂ થઇ જતી હોય છે અને ડેમો ઉનાળો આંબો ત્યાં સુધીમાં તો સુકાઇ જાય છે. ચાર મહિનાના વરસાદમાં સેંકડો ગેલન પાણી વેડફાઇ જાય છે. રાજ્ય સરકારે પાણીના સંગ્રહ માટે આગોતરૂં આયોજન કરવું જ જોઇએ. કેમ કે કુદરત દર વર્ષે પાણી પૂરતા પ્રમાણ આપે છે છતાં પણ પાણીની ખેંચ કેમ વર્તાય છે. ત્યારે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવાની યોજના થવી જોઇએ. કલ્પસર યોજનાને શરૂ કરવાની વાતને ઘણો ટાઇમ થયો છતાં હજુ યોજના શરૂ થઇ નથી. જ્યારે આકાશમાંથી વરસતા કાચા સોનાને સંગ્રહ કરવો ખૂબ જરૂરી બન્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં મધ્ય ગુજરાતને બાદ કરતા સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જુલાઇ માસના પ્રારંભે જ 30 થી 35 ટકા વરસાદ વધુ વરસ્યો છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મેઘકૃપા વરસી હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ વરસાદે સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવર ફ્લો થયા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ વરસ્યો છે અને આજે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. હજુ વધુ વરસાદ વરસશે, નદી-નાળા પણ છલકાશે ત્યારે આ પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ છતીસગઢમાં બનેલું લો-પ્રેશર મજબૂત બનીને દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ વધ્યા બાદ વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે તો બીજી તરફ ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી કેરળ તરફ છે. અરબી સમુદ્રમાં કરંટ આવતા ઓડિસ્સાના દરિયા કિનારે સાઇક્લોનિક સરર્ક્યુલેશન બનશે જે ધીમેધીમે આગળ વધી ગુજરાત તરફ આવશે અને વધુ વરસાદ વરસશે તેવી પૂરી સંભાવના છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 251માંથી 228 તાલુકાઓમાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના જામ કંડોરણામાં 8 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ, કચ્છના માંડવીમાં 5 ઇંચ, ભૂજમાં 5 ઇંચ, જામનગરના જોડીયામાં 4 ઇંચ, રાજકોટના લોધિકામાં 4 ઇંચ, દ્વારકામાં 4 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 4 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ, કચ્છના મુંદ્રામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ઊંડ-1 ઓવરફ્લો, 35 ડેમમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં સચરાચાર વરસાદને પગલે 141 પૈકી મહત્વના ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7.02 મિલીયન ક્યૂબીક ફીટનો વધારો નોંધાયો છે. જામનગરનો ઊંડ-1 ડેમ ઓવર ફ્લો થયો છે. જ્યારે ઊંડ-3 અને ફોફળ-1 ઓવર ફ્લોની તૈયારીમાં છે. આ ઉપરાંત વાત કરીએ તો ભારે વરસાદને પગલે રાજકોટના આજી-3 ડેમમાં 0.36, ભાદર-2 ડેમમાં 6.07 તેમજ છાપરવાડી-2 ડેમમાં 10.50 ફૂટનો વધારો થયો છે. જામ કંડોરણામાં 8 ઇંચ વરસાદ વરસતા ફોફળ-1 ડેમ 90 ટકા સુધી ભરાઇ ગયું છે. જળાશયની સપાટી 81.75 મીટરની હોય હાલ 80.29 મીટરે પહોંચી છે. ડેમમાં 38,890 ક્યુસેક પાણીની આવક થતાં હવે ડેમ ગમે ત્યારે ઓવર ફ્લો થવાની શક્યતા છે.

આ ઉપરાંત દુધીવદર, ઇશ્ર્વરિયા, તરવડા, વેગડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવચેત રહેવા સૂચિત કર્યા છે. રાજકોટ જિલ્લાના 27 પૈકી 24 જળસ્ત્રોત પર વરસાદ તેમજ 13 ડેમમાં નવા નીરની આવક થઇ છે. આ ઉપરાંત ડેમી-1માં 0.75, ડેમી-2માં 0.16, ઘોડાધ્રોઇમાં 5.25, બ્રાહ્મણી-2માં 0.49, મચ્છુ-3માં 0.98, ફોફળ-2માં 8.10, ઊંડ-3માં 9.84, ઊંડ-1માં 4.53, ઊંડ-2માં 2.62, ફલઝરમાં 0.26, ઉમિયા સાગરમાં 0.30, સસોઇમાં 0.49 અને ઘી ડેમમાં 0.66 ફૂટની આવક થવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.