Abtak Media Google News

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની આરપીએફ ટીમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ રાજકોટ દ્વારા પણ આ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બાઇક રેલી, વૃક્ષારોપણ, જળ સેવા, રન ફોર યુનિટી અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન વગેરે મુખ્ય છે.

રાજકોટ ડિવિઝનના ડિવિજનલ સિક્યોરિટી કમિશનર  પવનકુમાર શ્રીવાસ્તવે માહિતી આપતા જણાવ્યું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા જૂન, 2022માં 07 અલગ-અલગ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 153 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના 05 રેલ્વે સ્ટેશનો પર પાણીની સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સના 292 સભ્યો દ્વારા કુલ 624 કિમીની દોડ પૂર્ણ કરવામાં આવી હતી.

તેવી જ રીતે જુલાઇ, 2022માં અત્યાર સુધીમાં કુલ 378 વૃક્ષારોપણ વિવિધ 07 સ્થળોએ કરવામાં આવ્યું હતું. 05 રેલ્વે સ્ટેશનો પર જળ સેવા અને રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સના 134 સભ્યો દ્વારા કુલ 332 કિમીની દોડ પૂર્ણ કરવામાં આવી છે અને હાલમાં આ કાર્યક્રમો અવિરત ચાલુ છે. આ ઉપરાંત તાજેતરમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને રાજકોટ ડિવિઝનના ડિવિજનલ રેલ્વે મેનેજર   અનિલ કુમાર જૈને લીલી ઝંડી આપી હતી. આ રેલી રાજકોટ રેલ્વે સ્ટેશનથી શરૂ થઈ હતી જે રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા, દ્વારકા, ઓખા, વાંકાનેર, મોરબી, થાન અને સુરેન્દ્રનગર થઈને રાજકોટ ડીઆરએમ ઓફિસે પહોંચી હતી. આ બાઇક રેલીમાં રેલવે પ્રોટેક્શન ફોર્સની 05 બાઇકમાં 07 રાઇડર્સે ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસ સુધી આ કાર્યક્રમોનું આયોજન ચાલુ રહેશે તેવી માહિતી પણ તેમણે આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.