Abtak Media Google News

નકલી આઈપીએલનું રશિયા કનેક્શન: પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી સઘન પૂછપરછ આરંભી

વડનગરના મોલીપુર ગામમાં ખેતરમાં આઇપીએલ જેવો માહોલ ઉભો કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા હતા, આ છેતરપિંડીમાં લાઈવ મેચ ચાલતી હોય તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં ખેત મજૂરો અને રોજગારી ના હોય તેવા યુવાનોનો ખેલાડીઓ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. એક શખ્સ રશિયાથી આવ્યો અને તેણે આ અંગેનો પ્લાન બનાવવા માટે ટીમ ઉભી કરી હતી.

ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોય અને પોલીસ તેના પર ચાંપતી નજર રાખીને ઘણાંને પકડી લેતી હોય તેવા અનેક કિસ્સા બન્યા છે. પરંતુ ખોટી મેચ અને મેદાન ઉભું કરીને એ રીતે સટ્ટો રમાડવો કે ભલભલા થાપ ખાઈ જાય તેવું મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલિપુર ગામમાં જોવા મળ્યું છે. અહીં નકલી આઇપીએલ મેચના આધારે રશિયામાં બેઠા-બેઠા સટ્ટાબાજી કરવામાં આવતી હતી. સોફ્ટવેરના આધારે આ મેચને લાઈવ બતાવીને ગેંગના ઈશારા પ્રમાણે મેચમાં ઉતાર-ચઢાવ કરવામાં આવતો હતો. ખેલાડીને આઉટ આપવો કે નહીં તે પણ એમ્પાયરને રશિયાથી આદેશ આપવામાં આવતો હતો. આ નકલી ’આઇપીએલ’ મેચ રમાડતી ગેંગ ક્વાર્ટર ફાઈનલ સુધી ટીમોને પહોંચી ચૂકી હતી અને નકલી આઇપીએલનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો હતો.

પોલીસની ટીમ અને સેમિફાઈનલ મેચ રમાડવાની હતી ત્યારે જ પહોંચી ગઈ હતી.મેચનું આયોજન કરનારા ઠગોએ સ્વીકાર્યું કે વડનગરના મોલીપુરમાં રમાડવામાં આવતી મેચનું લાઈવ પ્રસારણ એક પખવાડિયાથી વધુ સમય યુટ્યુબની એક ચેનલ દ્વારા રશિયાના ત્રણ શહેર ટવર, વોરોનિશ અને મોસ્કોમાં કરવામાં આવતું હતું. અહીં સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે ઠગ ટોળકી દ્વારા આઇપીએલ મેચ પૂર્ણ થયાના ત્રણ અઠવાડિયા પૂર્ણ થયા પછી નકલી આઇપીએલ રમાડવાનું શરુ કર્યું હતું. ભેજાબાજ ટોળકીએ બેરોજગાર યુવાનો અને ખેતરમાં મજૂરી કામ કરતા 21 યુવાનોને તૈયાર કર્યા હતા, જેમને મેચ માટે વારાફરથી ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટ પહેરાવીને મેદાનમાં ઉતારવામાં આવતા હતા. આ મેચ માટે અમ્પાયરની પણ વ્યવસ્થા પણ એવી કરવામાં આવી હતી કે ભલભલા થાપ ખાઈ જાય.

આ મેચમાં સટ્ટાબાજી માટે વોકી-ટોકી અને પાંચ એચડી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેચ સાચી છે તેવું દર્શાવવા માટે દર્શકોનો અવાજ પણ રેકોર્ડ કરીને અહીં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય હર્ષા ભોગલેની નકલ કરવા માટે મેરઠથી એક કોમેન્ટેટરને પણ બોલાવ્યો હતો. આ મેચ પર એક ટેલીગ્રામ ચેનલ પર લાઈવ સટ્ટો રમાડવાનું શરુ કરી દીધું હતું. નકલી આઇપીએલ રમાડીને સટ્ટાબાજી કરનારા ચારની પોલીસે ધરપકડ કરીને તેમની હવાલા ચેનલ ક્યાં સુધી પહોંચેલી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.મહેસાણા એસઓજી પીઆઈ, ભાવેશ રાઠોડે વિગતે જણાવ્યું કે કઈ રીતે શોએબ દાબડા નામનો શખ્સ રશિયામાં 8 મહિના જાણીતા પબમાં સટ્ટાબાજી શીખ્યા બાદ મોલીપુર ગામમાં પરત ફર્યો હતો.

જેની મદદથી મહેસાણામાં નકલી ખેલાડીઓ અને મેદાન ઉભું કરીને સટ્ટાબાજી કરવામાં આવી રહી હતી. પીઆઈ રાઠોડે જણાવ્યું કે, રશિયાથી આવેલા શોએબે ગુલામ મસિહનું ખેતર ભાડે રાખ્યું હતું અને અહીં હેલોજન લાઈટ્સ લગાવી હતી. અહીં રમવા આવતા ખેતમજૂરોને એક મેચના 400 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, ઠગ શોએબે મેચ એકદમ અસલી લાગે તે માટે કેમેરા મેન રાખ્યા હતા અને આઇપીએલની ટીમોની ટીશર્ટ પહેરાવીને ખેલાડીઓને મેચ રમવા મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે પોલીસને આ અંગે માહિતી મળી તો કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા સમગ્ર કાવતરાનો પોલ ખુલી ગયો હતો અને પોલીસે 4 શખ્સોબી ધરપકડ કરી છે.

અમ્પાયરના ‘આંખના ઈશારે’ થતો હતો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ !!

પીઆઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, શોએબ સટ્ટા માટે દાવ લગાવતો હતો, જે અમ્પાયર કોલુને ચોગ્ગા અને છગ્ગા લગાવવા માટેની સૂચના આપતો હતો. અમ્પાયરની ભૂમિકા ભજવતો કોલુ બેટમેન અને બોલરને સૂચના આપતો હતો. જે પછી બોલર એક ધીમો બોલ નાખતો અને બેટ્સમેન તેના પર હિટ કરતો હતો. આ પછી કેમેરામેન આકાશ તરફ કેમેરા ફરાવતો હતો જેથી એવું લાગે કે બોલ ક્યાંય દેખાતો નથી, પછી કેમેરો અમ્પાયર તરફ ઝૂમ કરવામાં આવતો અને અમ્પાયર છગ્ગાનો ઈશારો કરતો હતો. તેમણે ઉમેર્યું કે અહીં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું કે ઝૂમ આઉટ ના થાય કે જેથી કોઈ ખેતર દેખાઈ જાય. તમામ બાબતોનું ધ્યાન રાખીને વડનગરથી નકલી આઇપીએલ દ્વારા રશિયામા સટ્ટાબાજી કરાવવામાં આવતી હતી પરંતુ આખરે આ ભેજાબાજોની પોલ ખુલી ગઈ છે.

રશિયાના પબમાં ઘડાયું હતું કાવતરૂ !!

ધરપકડ કરાયેલા આરોપી પૈકી શોએબે જણાવ્યું છે કે,  જ્યારે તે રશિયામાં કામ કરતો હતો ત્યારે તેની મુલાકાત આસિફ મોહમ્મદ નામના શખ્સ સાથે થઈ હતી જે માસ્ટરમાઈન્ડ ઠગ છે. આસિફે પબમાં રશિયાના સટ્ટાબાજો સાથે મુલાકાત કરાવી અને ક્રિકેટની બારીકાઈથી અવગત કરાવ્યા હતા. શોએબ મોલીપુર ગામમાં પરત આવ્યો ત્યારે તેણે સાદીક દાવડા, સાકિબ સૈફી અને મોહમ્મદ કોલુ સાથે સટ્ટાબાજી માટે ટીમ બનાવી અને તેઓ અમ્પાયરની ભૂમિકા ભજવતા હતા. સૈફી અને સાદિકે ખેલાડીઓની વ્યવસ્થા કરી હતી. સાકિબ કમેન્ટેટર બનવા માગતો હતો. સ્ટ્ટાબાજી માટે ખેતરમાં આખો માહોલ ઉભો કરવા માટે તેમને હાલમાં જ આંગડિયા દ્વારા ત્રણ લાખ રૂપિયાનો પહેલો હપ્તો આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.