Abtak Media Google News

સ્વનિર્ભર શાળાઓની છેલ્લા પાંચ વર્ષથી ફી સાથેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે હવે ખાનગી સ્કૂલો માટે હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે: ખાનગી સ્કૂલને એડમિશન, સત્ર અને ટ્યૂશન ફી વસૂલવાનો પૂરો અધિકાર

છેલ્લા પાંચ કે છ વર્ષની વાત કરવામાં આવે તો ખાનગી સ્કૂલની વાત આવે એટલે ફીની વાત ચોક્કસ બાધારૂપ બને જ. ત્યારે ખાનગી સ્કૂલોની સારી સુવિધા ફીમાં બાધારૂપ ન બનવી જોઈએ તેમ હાઇકોર્ટે એક નિવેદનમાં જણાવ્યુ છે. ખાનગી સ્કૂલોમાં ફીના મુદ્દે હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હવે ખાનગી સ્કૂલો ફીમાં વધારો કરી શકશે. ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે પણ નફાખોરી નહીં કરી શકે. ખાનગી સ્કૂલો એડમિશન, સત્ર અને ટ્યુશન ફી વસૂલી શકશે, એવો હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ટૂંકમાં કહી શકાય કે જે રીતે ખાનગી સ્કૂલમાં સુવિધાઓ આપવામાં આવે છે જેવી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અધતન લેબ, લાઇબ્રેરી તેમજ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ તે મુજબ સ્વનિર્ભર શાળાઓ ફી વસૂલી જ શકે.

જો કે, હાઈકોર્ટના ચૂકાદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખાનગી સ્કૂલો અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં. સાથે જ ફી રેગ્યુલેટરી કમિટી શિક્ષકોના પગારની પણ તપાસ કરશે. એફઆરસી પૂરતા વેરિફિકેશન વગર ખાનગી સ્કૂલો ક્લેમ નકારી શકશે નહીં.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ખાનગી સ્કૂલો પ્રવેશ, સત્ર અને ટ્યુશન ફી વસૂલી શકે છે. સાથે જ ભવિષ્યના ડેવલપમેન્ટ માટેની કોસ્ટ માટે સ્કૂલો ફી વસૂલી શકે છે. એફઆરસી  ખાનગી સ્કૂલોનું લીઝ અને રેન્ટનો ખર્ચ નકારી શકે નહીં. એફઆરસી  રેન્ટ બાબતે તપાસ કરી શકે છે, પરંતુ ગેરવ્યાજબી રીતે ખર્ચને નકારી શકે નહીં. સાથે જ એફઆરસી ખાનગી સ્કૂલોની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં. ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે.

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો મુદ્દો છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં રહ્યો છે. ત્યારે ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી શિક્ષણ ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું કે, ખાનગી સ્કૂલો ફીમાં વધારો કરી શકશે. ખાનગી સ્કૂલો મર્યાદામાં રહીને વિદ્યાર્થીઓની ફી વધારી શકે છે. જો કે, ખાનગી સ્કૂલો નફાખોરી નહીં કરી શકે, એવી ટકોર પણ કરી હતી. વિદ્યાર્થીઓને અપાતી સુવિધા મામલે ખાનગી સ્કૂલો ફી વસૂલી શકે છે. એફઆરસી ખાનગી સ્કૂલો કેટલાં શિક્ષકો રાખે છે અને શિક્ષકોને કેટલો પગાર આપે છે એની તપાસ પણ કરી શકે છે. જો કે, શિક્ષકોના પગાર ધોરણ અને તેમના ઈન્ક્રીમેન્ટ મુદ્દે એફઆરસી નકારાત્મક નિર્ણય તપાસ વગર લઈ શકે નહીં. ખાનગી સ્કૂલો દ્વારા બેંકમાંથી લેવામાં આવેલી લોન પરનું વ્યાજ એફઆરસી ધ્યાનમાં લેવું પડે અને આ મુદ્દે ખાનગી સ્કૂલો ફી વધારો માગી શકે છે. ખાનગી સ્કૂલો મિલકત પરના ધસારાને લઈને અલગ અલગ ક્લેમ કરી શકશે નહીં. મહત્વનું છે કે, ફીના મુદ્દે વાલીઓ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. એટલે કે ખાનગી સ્કૂલો નફાખોરી નહીં કરી શકે. પણ ખાનગી સ્કૂલો દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે એ મામલે ફી વસૂલી શકશે.

ગુણવત્તા યુક્ત શિક્ષણને પ્રોત્સાહન મળશે: ડી.વી.મહેતા

Untitled 1 499

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો નિર્ણય ખુબ જ આવકારવા લાયક છે. કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી શાળાઓની ફી ને લગતી જ વાતો સામે આવતી હતી પરંતુ હાઇકોર્ટ દ્વારા જે રીતે ચુકાદો અપાયો તેનાથી નક્કી થાય છે કે, હવે આગામી દિવસોમાં ગુણવતા યુક્ત શિક્ષણને વધુ ને વધુ પ્રોત્સાહન મળશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ચોક્કસ પરિવતર્ન આવશે તેમજ ભવિષ્યમાં વધુને વધુ ડેવલોપમેન્ટ થશે. ખાનગી સ્કૂલની વાત સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલથી થોડી વિપરીત પડે છે. આમ જોવા જઈએ તો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો બાળક તેનો એક વર્ષનો ખર્ચ પણ 50 હાજર થઇ જ જાય છે. અને બોર્ડનું પરિણામ પણ સાથે જ આવે છે માટે આ નિર્ણય ખુબ જ ફાયદો તો કરાવશે સાથે શિક્ષણનું મહત્વ વધશે.

રિર્સચ માટે પ્લેટફોર્મની ઉજળી તકો યુનિવર્સીટીઓમાં ઉપલબ્ધ થશે: ડો.નરેશ જાડેજા

Untitled 1 500

મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.નરેશ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે ખાનગી સ્કૂલોને લઈને હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે તે જ રીતે ખાનગી યુનિવર્સિટીઓની વાત કરવામાં આવે તો, ખાનગી યુનિવર્સિટી જે રીતે ફી વસુલે છે તો બીજી બાજુ વિધાર્થીઓને ઉચ્ચ કક્ષાનું ગુણવતાયુક્ત શિક્ષણ પણ પુરૂ પાડે છે. વધુમાં વધુ સારી સુવિધા, રિસર્ચ માટે પ્લેટફોર્મ, વિશ્વસ્તરીય યુનિવર્સીટી જેવું જ ઇન્ફાસ્ટ્રકચર આગામી દિવસોમાં ઉભું કરી શકશે.

સ્વનિર્ભર શાળાઓ થકી વિધાર્થીઓના વિકાસ માટે નવી તકો ઉભી થશે:રશ્મિકાન્ત મોદી

Untitled 1 502

મોદી સ્કૂલના સંચાલક રસ્મિકાન્ત મોદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ખાનગી શાળાઓની શિક્ષણ ફી મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. શાળાઓ બેફામ ફી વસુલતી હોવાના વાલીઓએ દાવા કર્યા હતા. વધુમાં સ્કૂલ શિક્ષણ સિવાઇની ફી ના વસૂલી શકે તે અંગે વાલીઓ હાઇકોર્ટના શરણે ગયા હતા. આ મામલે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે. જે ખાનગી શાળાઓ માટે રાહતરૂપ ચુકાદો ગણવામાં આવી રહ્યો છે. જો  કે હવે ક્વોલિટી એજ્યુકેશન આગળની તકો વધશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ખાનગી શાળાઓમાં બોર્ડના પરિણામ હોય કે પછી જેઈઈ-નીટની પરીક્ષા તેમાં ખાનગી શાળાઓના જ વિધાર્થીઓ ટોપ પર હોય છે. જે અન્ય શાળાઓની સાપેક્ષે ખુબ જ અલગ તરી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.