Abtak Media Google News

અન્ય હેતુ માટે બિનખેતીની અરજી સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં

બિનખેતી થયેલી જમીનોમાં ફેરફાર કરવા હવે તળિયા નહિ ઘસવા પડે. કારણકે મહેસુલ વિભાગે અન્ય હેતુ માટે બિનખેતીની અરજી સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં તેવું સ્પષ્ટપણે જાહેર કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીઓના હિતમાં 14 જેટલા મહેસૂલી નિયમોમાં મહત્ત્વના નીતિવિષયક સુધારા કર્યા છે. જેમાં વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સુધારામાં જણાવાયું છે કે એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી(રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે.

રાજકોટ સહિત રાજયભરમાં અગાઉ રહેણાંક હેતુ માટે થયેલા બીનખેતીને હવે ઔદ્યોગિક અથવા તો કોમર્શિયલમાં તબદીલ કરવા માટે રિવાઇઝડ બીનખેતીની અરજીમાં એનઓસી માંગવામાં આવશે નહી. આ ઉપરાંત રાજય સરકારે કાયદામાં ઘરખમ ફેરફાર કરીને તેની અમલવારી તત્કાલ કરવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના પડધરી, લોધિકા, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાના વિસ્તારોમાં અગાઉ ઘણા રહેણાંકબીનખેતી થઇ ચૂકયા છે અને આવા

બીનખેતી થયેલા પ્લોટની આજુબાજુમાં હાલ ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો ધમધમી રહ્યાં છે ત્યારે ઉદ્યોગોની વચ્ચે આવેલા રહેણાંક બીનખેતીને રિવાઇઝડ બીનખેતી કરાવવા માટે બહુ મોટી રાહત મળશે.

મુખ્યમંત્રીએ હિસ્સા માપણીના પેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટાવિભાગ અર્થાત્ હિસ્સા માપણીના કિસ્સામાં સહકબ્જેદારો વચ્ચે જ્યારે સહમતિ સધાતી ન હોય તેવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને બે વખત દસ-દસ દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય, તો સર્વે નંબરની હિસ્સામાપણી કરી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ મહેસુલી સેવાઓમાં સુશાસનનો અભિગમ અપનાવતા અન્ય પણ બે મહત્વના નિર્ણયો કર્યા છે.

તદઅનુસાર ગણોતધારાની કલમ 43/63 ની મંજૂરી બાદ એન.એ બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારીને પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો પ્રજાલક્ષી નિર્ણય શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

આ ઉપરાંત ગણોત કાયદાની 3ર એમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા તા. 31-1ર-ર0ર4 સુધી લંબાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, શહેરોમાં સીટી સર્વે છે ત્યાં બિનખેતીની મિલકતોના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત પુરાવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે રાજય સરકારે હકારાત્મક નિર્ણય કર્યો છે. જેમાં બિનખેતીનો હુકમ, બી.યુ. પરમિશન, લે-આઉટ પ્લાન વગેરે દસ્તાવેજી પુરાવાના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત ગણાશે નહીં.  વધુમાં, ગામતળની જમીનમાં બિનખેતી કરવાની જોગવાઇ ન હોઇ, આવી જમીનનો બિનખેતી હુકમ ઉપલબ્ધ ન હોય તેથી તેમાં પણ છૂટછાટ અપાશે. જેના નિરાકરણ અર્થે આ પુરાવા જુના મકાનોના સંદર્ભે ફરજિયાત ગણાશે નહીં.

ખાતેદારના મૃત્યુ બાદ દીકરીના સંતાનોને માત્ર રૂ. 300ની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે

ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. આ ઉપરાંત ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં.

સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે.

વારસાઈ હક્ક બાબતે પારિવારિક વિવાદ કે અસમંજસતાનો આવશે અંત

નવી શરતની/સાંથણીની/ગણોતધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.