Abtak Media Google News

કોટા-નાગદા સેક્શન વચ્ચે સ્વદેશી હાઈ સ્પીડ ટ્રેનનું સફળ ટ્રાયલ રન

વંદે ભારત એક્સપ્રેસએ ટ્રાયલ રન દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદાને પાર કરી છે જે રેલવે માટે એક નવી સફળતા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અંગેનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ’વંદેભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 કિમી પ્રતિ કલાકની રહી હતી.

વંદે ભારત વર્તમાનમાં શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે. જો અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલ હોય તો આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકવા માટે સક્ષમ છે. નવી વંદે ભારતમાં 16 કોચ સાથે શતાબ્દી એક્સપ્રેસ જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. તેમાં બંને છેડે ડ્રાઈવર કેબિન છે અને તે સંપૂર્ણપણે વાતાનુકૂલિત ટ્રેન છે.

ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ રેલવે સેફ્ટી કમિશનરને તેનો રિપોર્ટ મોકલવામાં આવશે અને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બીજા નવા રૂટ પર ચાલવા લાગશે. આ ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી પણ શક્યતા છે.

નાગરિકોની મુસાફરીને વધારે આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે નવી ટ્રેનોમાં ઓટોમેટિક ફાયર સેન્સર, સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવેલી હશે. આ ટ્રેનોની મહત્તમ ગતિ 180 કિમી પ્રતિ કલાકની છે. આઇસીએફએ ઓગષ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

ટ્રેનના કોચ સ્ટેઈનલેસ સ્ટીલના બનેલા છે

પાછલી ટ્રેનોની સરખામણીએ ડબ્બા વજનમાં હલકા હોવાના કારણે મુસાફરી વધુ આરામદાયક બનશે. ટ્રેનના કોચ સ્ટેઈનલેસ સ્ટીલના બનેલા હોવાના કારણે વજન ઓછું હોવાથી મુસાફરો વધુ ઝડપમાં પણ સહજતા અનુભવશે. તે સિવાય નવી ટ્રેનમાં પાયલોટ દ્વારા સંચાલિત ઓટોમેટિક ગેટ છે અને તેની બારીઓ પણ પહોળી છે. ઉપરાંત સામાન રાખવા માટે પણ વધારે જગ્યા છે. જાણવા મળ્યા મુજબ આ ટ્રેનના અમુક હિસ્સાઓને છોડીને બાકીના મોટા ભાગના હિસ્સાઓ ’મેડ ઈન ઈન્ડિયા’ છે.

બહુવિધ તબક્કામાં હાથ ધરાઈ છે ટ્રાયલ રન

કોટા ડિવિઝનમાં વંદે ભારતની ઘણી ટ્રાયલ કરવામાં આવી છે. તેની પ્રથમ ટ્રાયલ કોટા અને બરના ઘાટ, બીજી ટ્રાયલ ઘાટ કા બરના અને કોટા, ત્રીજી ટ્રાયલ કુર્લાસી અને રામગંજ મંડી વચ્ચે, ચોથી અને પાંચમી ટ્રાયલ કુર્લાસી અને રામગંજ મંડી વચ્ચે, છઠ્ઠી ટ્રાયલ કુર્લાસી અને રામગંજ મંડી અને કરવામાં આવી છે.

વંદે ભારતમાં સુવિધાઓ

વંદે ભારત સ્વદેશી ટ્રેન છે. તે સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. વંદે ભારત ટ્રેનમાં અલગ એન્જિન નથી. તેમાં ઓટોમેટિક દરવાજા અને એર કંડિશનર ચેર કાર કોચ અને રિવોલ્વિંગ ચેર છે. આ ખુરશી 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે. ટ્રેનમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ પણ છે.

સુરક્ષા માટે ’કવચ’ ટેક્નોલોજી લગાવાઈ

ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે તમામ નવી ટ્રેનમાં ’કવચ’ ટેક્નોલોજી લગાવાઈ રહી છે જેથી એક જ ટ્રેક પર બીજી ટ્રેન આવી જાય તો ઓટોમેટિક બ્રેક લાગી જાય. હાલ ભારતમાં 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે જેમાં એક નવી દિલ્હી-વારાણસી રૂટ પર અને બીજી નવી દિલ્હી-વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.