Abtak Media Google News

કલોલાના વડસર ગામમાં રૂ.6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીના રોષ

આપણા પૂર્વજોએ તળાવ બનાવ્યા છે, જેની સાચવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. વર્ષો સુઘી વરસાદ આવે, તળાવ ભરાય, જમીનના પાણીના તળ ઉંચા આવે તેવી સુચારું વ્યવસ્થા ઉભી કરવા માટે જળબેંક બનાવવી જોઇએ, તેવું  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું.

ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના કોઇપણ ગામના તળાવો એકબીજા સાથે લિંક છે. પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે, કોઇપણ ગામના તળાવનું પાણી ઉભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય. પરંતુ આઝાદી પછી કોઇએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા માર્ગની સફાઇની ચિંતા કરી નથી. જેની ફળશ્રુતિ રૂપે તળાવો સુકાવા લાગ્યા, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યાં, તળાવમાં ગંદકી થવા લાગી અને પાણીના તળ નીચે જવા લાગ્યા છે. આજે લોકોને ફલોરાઇડવાળું પાણી પીવાના દિવસો આવ્યા છે. પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા કેનાલની સુચારું વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે ધીમે પાણીના તળ ઉંચા આવી રહ્યા છે.

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ત્રણ એકરથી મોટા તળાવોને આગામી 10 વર્ષમાં સુંદર બનાવવામાં આવશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, આ તળાવો ગામનો આત્મા બની રહેશે. આજે વડસર ગામનું તળાવનો વિકાસ કાર્યનો આરંભ થયો છે. જે આગામી સમયમાં ગામનું ઊર્જા કેન્દ્ર બની રહેશે. આ તળાવમાં નાના ભુલકાં માટે રમવાના સાધનો, વડીલોને બેસવા માટે બાંકડા, જન્મ દિવસ કે લગ્ન પ્રસંગ કરી શકાય તેવી વ્યવસ્થા પણ તળાવના વિકાસ કાર્યમાં પ્રાધાન્ય આપવામાં આવી છે.

વડસર ગામના તળાવ ખાતે વન જેવું જંગલનું નિર્માણ કરવામાં આવશે, ત્યાં બોટિંગની પણ સુવિધા સાથે સાથે ખાણીપીણીનું બજાર બનશે. તળાવને પાણીથી ભરેલું રાખવા માટે આવરાઓની સફાઇ કરવામાં આવશે. તેની સાથે પ્રકૃતિના સોદર્યેની અનુભુતિ કરવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે વૃક્ષો પક્ષીઓ માટે નિવાસસ્થાન બની રહેશે. આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે વડસર ગામની સ્કૂલ, દવાખાના, તળાવના નવીનીકરણ કે અન્ય કોઇ ગામના વિકાસ કાર્ય માટે રૂપિયા 4 કરોડની જોગવાઇ કરી આપવાની જાહેરાત કરી હતી. આ રૂપિયા ગ્રામજનોને ગામના દવાખાના, શાળા સંકુલના વિકાસ કાર્યમાં વાપરવા માટે પણ ગ્રામજનો અને સરપંચને ભારપૂર્વક જણાવ્યું હતું.

અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લાના 75 તળાવોની જાળવણી- વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. આ દિશામાં સુચારું આયોજન થકી ગાંધીનગર જિલ્લામાં કાર્ય થઇ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 75 તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વડસર ગામના તળાવનું નવીનીકરણ કરવા રૂ. 6 કરોડ અર્પણ કરનાર અને આનંદમ્ પરિવારના અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના વન મિલિયન ટ્રી અભિયાન તથા પ્રકૃતિપ્રેમી અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારને હરિયાળો બનાવવા માંગતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના કાર્યમાં સહભાગી થવા આ તળાવના નવીનીકરણનું કામ કરવાની ઇચ્છા થઇ છે. આ કાર્યમાં મારી પડખે જે રીતે ગ્રામજનો ખભેથી ખભો મિલાવી ઉભા રહ્યા તે વાતે આ કાર્યને વઘુ સુંદર કરવાનો આત્મ વિશ્વાસ ઉભો કર્યો છે. તેમજ મારા ઉમદા વિચારને સાર્થક કરવાના કાર્યમાં બળ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.