Abtak Media Google News

કટોકટીના સમયમાં સેનાને રૂ.300 કરોડ સુધીની ખરીદી માટે મંજૂરીની જરૂર નહીં રહે!!

કોઈપણ દેશ સાથે સંઘર્ષ અથવા કટોકટીના સમયમાં સેના હવે પોતાની નાણાકીય શક્તિનો ઉપયોગ કરીને હવે જરૂરી સ્વદેશી શસ્ત્રો અને દારૂગોળો ખરીદી શકશે.  રક્ષા મંત્રાલયે સોમવારે આ બાબતની જરૂરી મંજૂરી આપી દીધી છે. આ શક્તિનો ઉપયોગ કરીને સેના ઈમરજન્સી એક્વિઝિશન હેઠળ ફાસ્ટ ટ્રેક ધોરણે સ્વદેશી શસ્ત્ર પ્રણાલી અને દારૂગોળો ખરીદી શકશે. છેલ્લા બે વર્ષથી પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે સરકારનો આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ આ નવી પ્રક્રિયાને મંજૂરી આપી છે. આ અંતર્ગત સેનાને ફાસ્ટ ટ્રેક ધોરણે સ્થાનિક સ્ત્રોતોમાંથી મૂડી મેળવીને સ્વદેશી શસ્ત્રો ખરીદવાની સત્તા હશે. સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ સચિવ હાજર રહ્યા હતા.

નવી પ્રક્રિયા હેઠળ સમગ્ર પ્રાપ્તિ પ્રક્રિયા 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ અંતર્ગત 300 કરોડ રૂપિયાની ખરીદીની મર્યાદા હશે. નવી પ્રક્રિયા વિલંબ માટે કોઈ અવકાશ છોડશે નહીં અને સશસ્ત્ર દળોને ઓપરેશનલ છીંડાઓને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે. જો કે સંરક્ષણ મંત્રાલયે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકના પરિણામો વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ સરકારે પ્રથમ વખત ત્રણેય પાંખને આ સત્તાઓ આપી હતી. આ હેઠળ લશ્કરને દારૂગોળાનો સ્ટોક અને ભાગોના ઉત્પાદન માટે “ઇમરજન્સી અને મહત્વપૂર્ણ કરારો” કરવા માટે ચોક્કસ સમયની અંદર મૂડી અને આવક સંબંધિત નાણાકીય સત્તાઓ સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2016 માં સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સાથેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. આ નાણાકીય સત્તાઓના કેટલાક વિસ્તૃત સ્વરૂપ હેઠળ સશસ્ત્ર દળોએ રશિયા, ઈઝરાયેલ અને ફ્રાન્સ જેવા દેશોમાંથી અને કેટલાક સ્થાનિક સ્ત્રોતોમાંથી શસ્ત્રો, પુરવઠો અને ફાજલ વસ્તુઓની મોટી સંખ્યામાં કટોકટીની ખરીદી કરી હતી. સશસ્ત્ર દળોને આપવામાં આવેલી આ સત્તાઓ મેં, 2020 થી ચીન સાથે ચાલી રહેલા સૈન્ય અવરોધનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થઈ છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠને જોતા સરકારે ફરી એકવાર સંરક્ષણ દળોને આવી ઘણી શક્તિઓ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.