Abtak Media Google News

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ઐતિહાસિક હેતુ માટે શ્રીમદ ભાગવત  સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે જેમાં આ કથા કોરોના કાળમાં દિવંગત થયેલા લોકોના મોક્ષાર્થે યોજાવા જઈ રહી છે.આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોરબી માળીયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા યોજવામાં આવી રહી છે અને મોરબી ના શનાળા સ્થિત પટેલ વાડીમાં યોજાનાર આ કથાના વ્યાસપીઠ પર પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા બિરાજવાના છે.

Advertisement

સપ્તાહનો એક અનોખો અને ઐતિહાસિક ધ્યેય છે જેમાં કોરોના કાળ દરમીયાન હજારો લોકો મૃત્યુ પામ્યા છે જેમાં મોરબીમાં પણ અનેક લોકોના મોત થયા હતા જેમના અંતિમસંસ્કાર પણ સમય સંજોગ અનુસાર વિધિવત થઈ શક્યા ન હતા અને ઘણા દિવંગતો ના સ્વજનો ને પોતાના સ્વર્ગવાસી સ્વજન માટે કંઈ ન કરી શકવાનો વસવસો રહી ગયો હતો જે ને દૂર કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

આ સપ્તાહમાં કોરોનાકાળમાં દિવંગત થયેલાના ફોટા મૂકીને વિધિ વિધાન પણ કરાવવામાં આવશે અને અત્યાર સુધીમાં મોરબી ના અલગ અલગ 52 જેટલા સમાજના દિવંગત ના ફોટા આવી ચુક્યા છે અને મોરબી માંથી જ ૧૦૦૦ જેટલા ફોટા આવવાની શક્યતા સેવાઇ રહી છે અને રોજ ૨૫૦૦૦ કરતા વધુ લોકો આ કથામાં બેસી શકે અને ભોજન પ્રસાદનો લાભ લઇ શકે તેવી વ્યાવસ્થાઓ કરવામાં આવી છે. તેમજ આ સપ્તાહમાં ફોટા મુકવા કે વિધિ વિધાન માટે કોઈ પણ ને ખર્ચ કરવાનો નથી સંપૂર્ણ સેવાની ભાવના સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

કથામાં સહભાગી થવાનો અનુરોધ કરતાં અમૃતિયા

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા દ્વારા  જણાવવામાં આવ્યું હતુ કે  મોરબીમાં  દરેક સમાજના ભાઈ બહેનો જે કોરોનામાં  મૃત્યુ પામ્યા છે.તેના  મોક્ષાર્થે  શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.11ને રવિવારના રોજ બપોરે 3.30 કલાકે ઉમિયા માતાજી મંદિર ઉમા ટાઉનશીપથી પોથીયાત્રાનો પ્રારંભ થશે. અને સર્કિટ હાઉસ, મહારાણા, પ્રતાપ સર્કલ, વાઘજી  ઠાકોર પ્રતિમા, વી.સી. ફાટક, શકિત ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામ ચોક,  જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પયેલ પ્રતિમા, રવાપર રોડ, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમીયા સર્કલ, ભકિતનગર સર્કલ થઈ  7 વાગ્યે  શનાળા પટેલસમાજ વાડી ખાતે  સમાપન થશે.

આ પોથીયાત્રામાં બાવન સમાજ જોડાશે અને તેમનું સન્માન કરવામાં આવશે તેમજ તા.12નાં રમેશભાઈ ઓઝા સવારે 9 થી 1 કથાનો આરંભ કરશે અને તા.18એ કથાની પૂર્ણાંહુતી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.