Abtak Media Google News

37.23 કરોડના ખાત મૂહૂર્ત અને લોકાપર્ણના વિકાસકાર્યોની કામગીરી સફળ

ગીર સોમનાથ, તા.13: રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી  દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં જિલ્લાના નગર પાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાએ રૂ.12.514 કરોડના ખર્ચે 10 ખાતમુહૂર્તના તેમજ રૂ.24.719 કરોડના ખર્ચે 15 લોકાર્પણના પ્રકલ્પ આવરી લેવાયા હતાં. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારે નાનામાં નાના ગામોને અસર કરે એવી અનેક યોજનાઓ તેમજ સુવિધાઓ લોકોને પૂરી પાડી છે.

હાલના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. બે દાયકાઓ પહેલાના દ્રશ્યો વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે માતાઓ બહેનો પાણી ભરવા માટે દૂર દૂર સુધી બેડાઓ માથે લઈ પાણી ભરવા જતી, ચૂલાનો ધુમાડો ખાતા બહેનો રસોઈ કરતી, સારી મેડિકલ સુવિધાનો અભાવ હતો પણ આ સરકારમાં આવી તમામ તકલીફોમાંથી છૂટકારો મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીના હસ્તે જિલ્લાકક્ષાએ રૂ.12.514 કરોડના ખર્ચે 10 ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.24.719 કરોડના ખર્ચે 15 ઈ-લોકાર્પણ એમ કુલ મળી રૂ.37.23 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. આ તમામ કામમાં રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, આંગણવાડી, નર્સરી ઉછેર, તાલુકા પંચાયત ભવન, પેવરબ્લોકના કામ, પાઈપલાઈનના કામો, ગટરના કામ, આઈટીઆઈ બિલ્ડિંગ, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ઈ-ગ્રામની સુવિધા, ટોઈલેટ બ્લોક, લેન્ડસ્કેપ ગાર્ડન વગેરે કામોનો સમાવેશ થાય છે.

જિલ્લા પંચાયત પ્રમુખ   રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, આયુષ્માન કાર્ડ યોજના, હર ઘર નલ સે જલ યોજના જેવી ખેતીથી લઈને આરોગ્ય વિષયક તમામ લોકકલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેનો લાભ ગુજરાતની જનતાને બહોળા પ્રમાણમાં મળી રહ્યો છે. જેથી કહી શકાય કે ડબલ એન્જિનની સરકાર થકી ગુજરાતનાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. વિશ્વાસથી વિકાસ યાત્રાના આ કાર્યક્રમમાં પૂર્વ બીજ નીગમ ચેરમેન  રાજશીભાઈ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંહભાઈ પરમાર, જિલ્લા કલેકટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી   રવિન્દ્ર ખતાલે, અધિક નિવાસી કલેક્ટર  બી.વી.લિંબાસિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  આર.કે.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી  રાજેશભાઈ આલ, પશુપાલન નિયામક  ડી.એમ.પરમાર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.